ગુજરાત
News of Thursday, 25th November 2021

રાજ્યમાં ધારાસભ્યો અને સંસદસભ્યોની સંખ્યા વધશે :ચૂંટણી પંચે આપ્યા સંકેત

વર્ષ 2026માં નવું સીમાંકન થશે: નવા સીમાંકન પછી વિધાનસભાની હાલની 182 બેઠક વધીને 230 થઈ શકે: લોકસભાની 26 બેઠક વધીને 44 થઇ શકે

અમદાવાદ : રાજ્યમાં ધારાસભ્યો અને સાંસદોની સંખ્યામાં વધારાના સંકેત રાજ્ય ચૂંટણીપંચ તરફથી આપવામાં આવ્યા છે. રાજ્યમાં વર્ષ 2026માં નવું સીમાંકન થશે ત્યારે રાજ્યની વસતિ અને જ્ઞાતિના આધારે લોકસભા તથા વિધાનસભા બેઠકોમાં વધારો થઈ શકે છે.

નવા સીમાંકન પછી રાજ્યમાં વિધાનસભાની હાલની 182 બેઠક વધીને 230 થઈ શકે, જ્યારે લોકસભાની 26 બેઠક વધીને 44 થઇ શકે છે.  જો કે અગામી વિધાનસભા કે લોક સભાની ચૂંટણીમાં આનો લાભ નહિ મળે. વર્ષ  2027ની વિધાનસભા ચૂંટણીમાં અને વર્ષ 2029ની લોકસભાની ચૂંટણીમાં આ બેઠકો વધી શકે છે. 52 વર્ષ બાદ પહેલીવાર ગુજરાતમાં ધારાસભ્યોની સંખ્યા વધીને 230 થઈ જશે. જ્યારે 47 વર્ષ બાદ સાંસદોની સંખ્યા 44 થઈ જશે. ગુજરાતમાં હાલ 2001ની વસતિના આધારે 2006માં સીમાંકન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લે વર્ષ 1975માં રાજ્યમાં વિધાનસભાની 182 બેઠકો નક્કી કરવામાં આવી હતી, તો વર્ષ  1980ની લોકસભા ચૂંટણીમાં 24 બેઠક હતી.

અત્રે નોધનીય છે કે વર્ષ ૨૦૧૮માં ગુજરાત વિધાનસભાનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને ૧૮૨ ધરાસ્ભ્યોના સ્થાને ૨૩૦ ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. જયારે કેન્દ્રમાં પણ હાલમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું કામ પોર જોશમાં ચાલુ છે. જેમાં એકસાથે લોકસભા અને રાજ્યસભાના 900થી 1200 સાંસદ બેસી શકશે, જેનું 75મા સ્વતંત્રતા દિવસ પર ઓગસ્ટ 2022 સુધીમાં પૂરું કરી લેવાશે.

રાજ્યના ચૂંટણીપંચે જણાવ્યું હતું કે બેઠકોનું નવું સીમાંકન 2026 પછી થશે. રાજ્યમાં વસતિના આધારે વિધાનસભા અને લોકસભાની બેઠકોનું સીમાંકન કરવામાં આવે છે. જેમાં જ્ઞાતિ અને ભૌગલિક સમીકરણો, વસતિ વિગેરેની પણ નોધ રાખવામાં આવતી હોય છે. સાથે ST  અને SC  બેઠકોની ફાળવણી પણ કરવાની થતી હોય છે. અને અંગે સંસદમાં પણ ખરડો પાસ કરવો પડે છે.

હાલમાં વિધાનસભામાં 142 બેઠક સામાન્ય છે. જયારે બાકીની બેઠક અનામત છે તેમજ લોકસભામાં 20 સામાન્ય બેઠક અને બે બેઠક SC(શિડ્યૂલ કાસ્ટ) અને 4 બેઠક ST માટે અનામત રાખેલ છે.

રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર હાલમાં બેઠકોમાં ફેરફાર 2026 પછી થવાની સંભાવના છે, એટલે કે વર્ષ ૨૦૨૨માં યોજનારી વિધાનસભા અને  વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં બેઠકમાં કોઈ વધારો કરવામાં આવશે નહિ .

ગુજરાતની સ્થાપના સમયે વર્ષ 1960માં ગુજરાત વિધાનસભાની 132 બેઠક હતી. ત્યાર બાદ 1962માં 154 સભ્યોની સંખ્યા નિયુક્ત થઇ અને 1967માં 168 ધારાસભ્ય અને એ પછી 1975માં 182 ધારાસભ્યની સંખ્યા નક્કી થઇ હતી, જે આજદિન સુધી યથાવત્ છે.

1960માં 17 જિલ્લાની સાથે ગુજરાતની સ્થાપના થઈ હતી. નવા જિલ્લાની રચનાની સૌપ્રથમ શરૂઆત ગાંધીનગર સાથે થઇ હતી. 1964માં મહેસાણા અને અમદાવાદના કેટલાક ભાગોને જોડીને ગાંધીનગર રાજ્યનો 18મો જિલ્લો બન્યો હતો. ત્યાર બાદ 1966માં સુરતમાંથી વલસાડને જુદો પાડી 19મો જિલ્લો બનાવવામાં આવ્યો હતો. 1997માં રાજ્યમાં છ નવા જિલ્લા આણંદ, દાહોદ, પાટણ, નવસારી, પોરબંદર અને નર્મદાનો સમાવેશ કરતાં જિલ્લાની સંખ્યા 25 થઇ હતી. 2010માં ગુજરાતનો તાપી 26મો જિલ્લો બન્યો હતો. ત્યાર બાદ બીજા સાત નવા જિલ્લા ગીર-સોમનાથ, છોટાઉદેપુર, અરવલ્લી, બોટાદ, મોરબી, દ્વારકા અને મહીસાગર 2013માં અસ્તિત્વમાં આવી રહ્યા છે. એ સાથે નવા 22 તાલુકાનો પણ ઉદય થયો છે. હાલમાં ગુજરાતમાં કુલ 33 જિલ્લા બન્યા છે.

નિયમ મુજબ દર 10 લાખની વસતિએ એક સાંસદ હોવો જરૂરી છે અને 2019માં 88 કરોડ મતદારો હતા અને તેથી 888 સાંસદ જરૂરી છે. જેમાં સૌથી વધુ ઉત્તરપ્રદેશમાં 143 સાંસદો છે. અને ત્યાર બાદ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, ગુજરાત અને તેલંગાણાના સાંસદ હશે. ગુજરાતમાં હાલ 26 સાંસદ છે, જે ભવિષ્યમાં 44 થશે. આમ, 18 વધુ સાંસદોની ભેટ ગુજરાતને મળશે અને એને કારણે લોકસભામાં હાલના તર્કની દૃષ્ટિએ 515 સાંસદ ભાજપના હોઈ શકે છે

(9:39 am IST)