ગુજરાત
News of Thursday, 26th November 2020

કોરોના કાળમાં વિદ્યાર્થીઓને રાહત: રદ કરાયેલા અભ્યાસક્રમમાંથી પરીક્ષામાં કોઇ પ્રશ્નો નહીં પૂછાય

ધો. 9થી 12માંથી 30 ટકા અભ્યાસક્રમ રદ કરાયો:બોર્ડની શાળાઓએ અભ્યાસક્રમ ઘટાડીને ડીઇઓને મોકલવાનો રહેશે: વિદ્યાર્થીઓનો તણાવ ઓછો કરવા સરકારનું પગલુ

અમદાવાદ: કોવિડ 19ની પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓનો તણાવ ઓછો કરી શકાય તે હેતુથી સરકાર દ્વારા મળેલી મંજુરી અન્વયે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. જેમાં બોર્ડની માન્યતા ધરાવતી તમામ શાળાઓ માટે માત્ર શૈક્ષણિક વર્ષ 2020/21 પુરતો જ ધો.9થી 12ના અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવ્યો છે. શૈક્ષણિક વર્ષ 2020/21 માટે સુધારેલા અભ્યાસક્રમની વિગતો તમામ શાળાઓને મોકલી આપવામાં આવી છે. જે મુદ્દાઓ અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષ માટે રદ કરવામાં આવ્યા છે. તે મુદ્દાઓ અંગેના પ્રશ્નો શાળાકીય તેમ જ બોર્ડની પરીક્ષામાં પૂછવાના રહેશે નહીં.

પરંતુ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં શૈક્ષણિક દ્રષ્ટિએ નુકસાન ન થાય તે હેતુથી આ મુદ્દાઓને શૈક્ષણિક જ્ઞાન શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને આપવાનું રહેશે. આ નિર્ણયનો અમલ તમામ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ તેમ જ સ્વનિર્ભર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ અમલ કરવાનો રહેશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામક બી.એન. રાજગોરે રાજયના તમામ જિલ્લાશિક્ષણાધિકારીઓને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, ધો.10ના મરજિયાત વિષયોની પરીક્ષા શાળા કક્ષાએ લેવામાં આવે છે. ધો. 9 અને 10નો અંદાજિત 30 ટકા જેટલો અભ્યાસક્રમ ઘટાડવા અંગેની કાર્યવાહી જે તે શાળા કક્ષાએ કરવાની થાય છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ વિષયોનો અભ્યાસક્રમ ઘટાડીને તેની વિગતો જિલ્લાશિક્ષણાધિકારીને મોકલવાની રહેશે. શાળા દ્વારા જે પ્રકરણોના જે મુદ્દાઓ અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષ માટે રદ કરવામાં આવેલા છે. તે મુદ્દાઓ અંગેના પ્રશ્નો શાળાકીય પરીક્ષામાં પૂછવાના રહેશે નહીં

(10:40 pm IST)