ગુજરાત
News of Thursday, 26th November 2020

વલસાડ પાલિકાનો સપોટો, વધુ એક મેગા ડિમોલિશન કરી 11 દુકાનો તોડી પાડી

ચીફ ઓફિસર જે. યુ. વસાવાએ સિટી પોલીસ એચ. જે. ભટ્ટ, એએસઆઇ પુનમબેન ચૌધરી, મંજુબેન, રાજકુમાર તેમજ અન્ય પોલીસકર્મીઓની સાથે દુકાનોનું ડિમોલિશન કર્યું

(કાર્તિક બાવીશી દ્વારા)વલસાડ નગરપાલિકા દ્વારા આજરોજ વધુ એક મેગા ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરાઇ હતી. આ ડિમોલિશન ડ્રાઇવમાં તેમના દ્વારા બસ ડેપોની બાજુમાં આવેલી 11 દુકાનો તોડી પાડી હતી. જેને લઇ શહેરમાં ભારે ચર્ચાઓ ચાલી હતી. આ સાથે પાલિકા દ્વારા બેચર રોડના અન્ય દબાણો પણ દુર કરવાની ચિમકી ઉચ્ચારાઇ હતી.
  વલસાડ પાલિકાના ચીફ ઓફિસર જે. યુ. વસાવા સિટી પોલીસ એચ. જે. ભટ્ટ, એએસઆઇ પુનમબેન ચૌધરી, મંજુબેન, રાજકુમાર તેમજ અન્ય પોલીસકર્મીઓની સાથે મળી આજરોજ બુલડોઝર સાથે  બેચર રોડ પર ડિમોલિશન માટે પહોંચી ગયા હતા. જ્યાં પાલિકાના એસ્ટાબ્લિસમેન્ટ કર્મચારી મુન્ના ચૌહાણ, ફાયરના ફ્રેડી તેમજ અન્ય પાલિકા કર્મચીઓએ આ દુકાનો પર બુલડોઝર ફેરવી દીધું હતુ. જેના પગલે 11 દુકાનો તૂટીને જમીનદોસ્ત થઇ ગઇ હતી. આ ડિમોલિશનમાં અનેક દુકાનદારો અને તેમના પરિવારની મહિલાઓએ પોલીસ અને પાલિકા સામે પ્રતિકાર કર્યો હતો. જોકે, પોલીસને તેમને સમજાવી, ડરાવી ડિમોલિશનની પ્રક્રિયા આગળ ધપાવી હતી અને ડિમોલિશન કાર્ય પૂરું કર્યું હતુ.
વલસાડ નગરપાલિકા દ્વારા બેચર રોડના આ બીજા ડિમોલિશન બાદ હવે આગામી દિવસોમાં બેચર રોડના અન્ય દબાણો તેમજ શહેરના અન્ય પાર્કિંગ પ્લોટો પણ ખુલ્લા કરાય એવું જાણવા મળ્યું છે. ત્યારે પાલિકાની આ કામગીરીના પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. જોકે, પાલિકા ગરીબોની દુકાનો તોડવા સાથે પૈસાદાર અને વગદાર લોકોએ કરેલા પાર્કિંગના દબાણો પણ દુર કરે એવી લાગણી ફેલાઇ છે.

(8:28 pm IST)