ગુજરાત
News of Thursday, 26th November 2020

ડીજેના તાલે રેલી કાઢી :ધારાસભ્ય આત્મારામ પરમાર તથા મંત્રી ગણપત વસાવા સામે પગલાં લ્યો : પીએમને લખ્યો પત્ર

એપેડેમિક એક્ટ હેઠળ ગુનો નોંધી દંડ વસૂલવા સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવે માંગ કરી

અમદાવાદ : વિશ્વ આરોગ્ય સંગઠન દ્રારા કોરોનાને મહામારી જાહેર કરી છે કેન્દ્ર સરકારે એપેડેમિક રોગ અધિનિયમ અંતગર્ત રોગને ફેલાતો રોકવા માટે રાજય સરકારોને નિર્દેશ આપ્યા છે. હાલ ગુજરાતમાં સંક્રમણ ફેલાયું છે તેવા સમયે ભાજપના નવા ચુંટાયેલા ધારાસભ્ય આત્મારામ પરમારે છમુછલ ખાતે સત્કાર સમારોહ યોજયો હતો. ત્યાં સુધી કે ડીજેના તાલે રેલી કાઢી હતી. આ રેલીમાં ગુજરાત સરકારના મંત્રી ગણપત વસાવા પણ જોડાયા હતા. તેઓએ નિયમોનું ઉલ્લંઘન કર્યો હોવાથી તેમની સામે એપેડેમિક એક્ટ હેઠળ ગુનો નોંધી દંડ વસૂલવાની માંગ સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવે કરી છે. આ માંગણી કરતો પત્ર વડાપ્રધાન મોદીને લખ્યો છે. અગાઉ આ જ રીતે તેમણે ભાજપના ધારાસભ્ય શશીકાન્ત પંડયા તથા કલાકાર કીંજલ દવે સામે પગલાં ભરવા રજૂઆત કરી હતી. જેના પગલે તેમની સામે આયોગે નોટીસ કાઢી હતી.

અમદાવાદ શહેરમાં રહેતાં સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. અનેક નાગરિકોને મોત નિપજયાં છે. આ ઘટનાઓને નજર સમક્ષ રાખીને વડાપ્રધાન દ્રારા તથા રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્રારા લોકોને માસ્ક પહેરવાની તથા સોશિયલ ડીસ્ટન્સ જાળવવાની વારંવાર સૂચના આપેલી છે

ગુજરાતની વણસતી જતી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ગુજરાતના ચાર શહેરોમાં રાત્રિ કરફયુ લાદવામાં આવ્યો છે ત્યારે ભાજપના નવા ચુંટાયેલા ધારાસભ્ય આત્મારામ પરમારે છમુછલ ખાતે સત્કાર સમારંભનો જાહેર કાર્યકર્મ 21/11/20ના રોજ યોજવામાં આવ્યો હતો. ત્યાં સુધી કે ડીજેના તાલે રેલી કાઢવાથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આમ ધારાસભ્ય આત્મારામ પરમારે મોટી સંખ્યામાં ભીડ ભેગી કરી સંક્રમણ વધે તેવું કુત્ય કર્યું છે. આ રેલીમાં ગુજરાત સરકારના મંત્રી ગણપત વસાવા પણ જોડાયા હતા. તેઓ પણ નિયમોનું ઉલ્લંઘન કરતાં નજરે પડયા હતા.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, કોરોના ફેલાવનારાને કોઇપણ સંજોગોમાં માફ કરી શકાય નહીં. એક જવાબદાર ધારાસભ્ય હોવાના નાતે કેન્દ્ર તથા રાજય સરકારના તમામ કાયદા નીતિ નિયમોનું ચુસ્ત પાલન કરવાની નૈતિક જવાબદારી તેમની રહેલી છે. નાગરિકો પ્રજાના પ્રતિનિધિઓને તથા વિવિધ ક્ષેત્રની પ્રતિભાને અનુસરતા હોય છે. સન્માન આપે છે જો તેઓ જ આ રીતે સરકારના નિયમોનં ઉલ્લંઘન કરે તો ખૂબ જ ગંભીર બાબત ગણાય. કાયદો તમામ માટે સમાન છે તેનું ઉલ્લંઘન થાય તો તેનો ગુનો / દંડ પણ તમામને સમાન રીતે લાગુ પડે છે. કાયદાથી કોઇ પર નથી.

ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને ટાંકીને તેમણે વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલ સુઓમોટો જાહેર હિતમાં 5મી ઓક્ટોબરના રોજ બેજવાબદાર રાજકીય નેતાઓ સામે કડક કાર્યવાહી અને આકરો દંડ વસૂલવા માટે રાજય સરકારને ફરીથી નિર્દેશ આપ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તીખી પ્રતિક્રિયા આપતા તમામ નેતાઓને માસ્ક ફરજિયાત પહેરવા અને રાજકીય રેલીઓમાં સોશિયલ ડીસ્ટન્સીંગનો ભંગ ના થાય તેની સાવધાની રાખવા ફરીથી નિર્દેશ કર્યો છે. કોઇપણ પ્રકારના ખોટા સંદેશ ના જાય તેની તકેદારી રાખવા પણ જણાવ્યું છે.

આમ પ્રસ્તુત પ્રકરણમાં કેન્દ્ર સરકાર, રાજય સરકાર દ્રારા ઘડવામાં આવેલા નિયમોનું તથા ગુજરાત હાઇકોર્ટની કડક સૂચનાઓનું ખુલ્લેઆંમ ઉલ્લંઘન થયું છે. જે ખૂબ જ ગંભીર, તપાસ યોગ્ય અને દંડ તથા શિક્ષાને પાત્ર છે. જો જવાબદાર તમામ વિરુધ્ધ કોઇ કાર્યવાહી નહી થશે તો તે સરકાર અને કોર્ટનું અપમાન થયેલું ગણાશે. ઉપરોક્ત ઘટનાને ત્રણ દિવસનો સમય વીતી જવા છતાં પોલીસ દ્રારા ગુનો નોંધવાની કે દંડ કરવાની કાર્યવાહી હજુ સુધી થઇ ના હોવાનું ધ્યાન પર આવ્યું છે. જેથી આપના તરફથી ગુજરાત સરકારને આ બંને મહાનુભાવો સામે કાર્યવાહી કરવા જરૂરી આદેશ કરવા માંગણી કરી છે.

(8:20 pm IST)