ગુજરાત
News of Thursday, 26th November 2020

દહેગામમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ દસ લાખ સહીત સોના ચાંદીના દાગીનાની ઉઠાંતરી કરતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી

ગાંધીનગર:શહેર તેમજ જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે ત્યારે દહેગામના બારોટવાડામાં બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો તેમાંથી દસ લાખ રૂપિયા રોકડા અને ત્રણ લાખ રૂપિયાના સોનાના દાગીના મળી ૧૩ લાખની મત્તા ચોરીને પલાયન થઈ ગયા હતા. જે સંદર્ભે આજે વહેલી સવારે મકાન માલિકને જાણ થતાં તેઓ તુરંત અમદાવાદથી દહેગામ પહોંચ્યા હતા અને મામલે દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે

શિયાળાની કડકડતી ઠંડીની સાથે તસ્કરોની ટોળકી પણ સક્રિય થઈ ગઈ છે. ગાંધીનગર શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો પણ હાલ તસ્કરોના સોફટ ટાર્ગેટ ઉપર છે. ત્યારે દહેગામ શહેરના બારોટવાસમાં રહેતા સાવનભાઈ ચેતનકુમાર બારોટ તેમનું દહેગામનું મકાન બંધ કરીને અમદાવાદ ચાંદખેડા ખાતે ગત તા.૧૯મીએ રહેવા માટે ગયા હતા. તા.ર૧મીએ શનિવારે તેઓ કામ અર્થે તેમના દહેગામના મકાન ખાતે આવ્યા હતા અને ત્યારબાદ તાળું મારીને પરત ચાંદખેડા ગયા હતા. દરમ્યાનમાં આજે સવારના સમયે તેમના મકાનના બીજા માળે રહેતા ભાડુઆત લાલભાઈ પ્રજાપતિનો તેમની ઉપર ફોન આવ્યો હતો કે તમારા મકાનના આગળ અને પાછળના તાળાં તુટેલા છે અને ચોરી થઈ હોય તેમ જણાઈ રહયું છે. જેના પગલે સાવનભાઈ તુરંત તેમના પરિવાર સાથે દહેગામ ખાતે આવી પહોંચ્યા હતા અને ઘરમાં તપાસ કરતાં રસોડાના ડ્રોઅરમાં પ્લાસ્ટિકની થેલીમાં મુકેલા દસ લાખ રૂપિયા રોકડા ચોરાયા હતા જે થોડા દિવસ અગાઉ તેમને બેંકમાંથી વેપાર અર્થે ઉપાડયા હતા

(6:08 pm IST)