ગુજરાત
News of Thursday, 26th November 2020

કોરોનાના ભરડામાંથી પોલીસ પણ બાકાત નથી

પોલીસ માટે કવોરેંટાઇન માટે હવે હોટેલના રૂમ નહીં હોમ કવોરેન્ટાઇન વ્યવસ્થા

રાજકોટ : દિવાળીના દિવસોમાં લેવાયેલી છૂટછાટથી વકરેલા કોરોનાથી પોલીસ પણ બચી શકી નથી. અમદાવાદ શહેરમાં પાંચ દિવસ પહેલાં ૪૦ પોલીસ કર્મચારીને કોરોના હતો તે આંક વધીને ૭૮ થઈ ગયો છે. પહેલાના બે તબક્કામાં પોલીસને સારવાર માટે ખાસ હોસ્પિટલ ફાળવાઈ હતી અને કવોરન્ટાઈન થવા માટે હોટલોમાં રુમો રાખવામાં આવી હતી. પણ, હવે કોઈ પોલીસ કર્મચારીને કોરોના થાય તો હોમ કવોરન્ટાઈન થવાનો વખત આવ્યો છે. સામાન્ય નાગરિકોની માફક જ પોલીસને પણ મ્યુનિસિપલ કોર્પોરેશન કહે તે હોસ્પિટલમાં સારવાર લેવાની રહેશે.

અમદાવાદ શહેરમાં કોરોના વકર્યો છે તેની અસર પોલીસ તંત્રમાં પણ જોવા મળી રહી છે. વિતેલા પાંચ જ દિવસમાં પોલીસ અને સુરક્ષા તંત્રમાં કોરોનાનો આંકડો કૂદકો લગાવીને બમણો થઈ ગયો છે. હાલમાં ૫૪ પોલીસ કર્મચારી અને ૨૪ એસઆરપી, હોમગાર્ડ અને પોલીસનો કલેરિકલ સ્ટાફ કોરોના થતાં સારવાર હેઠળ છે. ગંભીર બાબત એ છે કે, લોકોની સેવામાં રાત-દિવસ તત્પર રહેતી પોલીસમાં પણ કોરોનાનો ઉછાળો નોંધાયો છે. હાલમાં શહેર પોલીસ અને સુરક્ષા કર્મચારી મળી કુલ ૭૮ લોકો કોરોનાની સારવાર લઈ રહ્યાં છે.

કોરોનાનો ત્રીજો તબક્કો એટલો કપરો છે કે, હોસ્પિટલોમાં પૂરતી જગ્યા નથી અને મોટાભાગના દર્દીઓને હોમ કવોરન્ટાઈન થઈને સારવાર કરવી પડી રહી છે. ગંભીર સ્થિતિ સર્જાય તો જ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવી રહ્યાં છે. સામાન્ય નાગરિકો જેવી જ સ્થિતિ હવે પોલીસની થઈ છે.

શહેર પોલીસના અધિકારી સૂત્રોએ સ્વિકાર્યું કે, અગાઉ શહેર પોલીસમાં કર્મચારીને કોરોના થાય તો તેમને સારવાર માટે પૂર્વ વિસ્તારમાં ખાસ હોસ્પિટલ ફાળવવામાં આવી હતી. એ જ રીતે પોલીસ કર્મચારીઓને કવોરન્ટાઈન થવા માટે દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હોટલમાં રુમો રાખવામાં આવ્યાં હતાં.હવેથી, પોલીસ કર્મચારીનો કોરોના હોવાની શંકા જાય તો જાતે જ ટેસ્ટ કરાવે છે.

કોરોના પોઝીટીવ આવે તો પી.આઈ.ને જાણ કરી પોલીસ કર્મચારી હોમ કવોરન્ટાઈન થાય છે અને સારવાર કરાવે છે. જો તબિયત લથડતી જણાય તો તેમના વિસ્તારના ડીસીપીને જાણ કરવાની રહે છે. ડીસીપી આ પોલીસ કર્મચારીને હોસ્પિટલમાં એડમીટ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંપર્ક કરશે અને મ્યુનિ. તંત્ર કહે તે હોસ્પિટલમાં જ સારવાર માટે દાખલ થવાનું રહેશે. આમ, કોરોનાગ્રસ્ત બનેલાં પોલીસ કર્મચારીએ પણ નાગરિકોની માફક હોમ કવોરન્ટાઈન થવાનું રહેશે અને કોરોના થાય તો ખાસ વ્યવસ્થાનો લાભ મળશે નહીં.

લોકો વચ્ચે રહીને કામ કરતી પોલીસ કોરોના માટે વલ્નરેબલ કેટેગરીમાં આવે છે. છેલ્લા પાંચ દિવસમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના સાત કર્મચારીને કોરોના થયો છે અને દ્યરે સારવાર લઈ રહ્યાં છે.

 બે દિવસના જનતા કર્ફ્યૂ દરમિયાન વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના ત્રણ અટકાયતી પૈકી એક યુવકને કોરોના પોઝીટીવ આવ્યો હતો. આ અટકાયતી યુવકના સંક્રમણથી પી.એસ.ઓ. ટેબલ અને ઈન્વેસ્ટિગેશન ટીમમાં કાર્યરત કર્મચારી સહિત ત્રણને કોરોના સંક્રમણ થયાની ચર્ચા પોલીસ સ્ટેશનમાં થઈ રહી છે. જો કે, કોરોના સંક્રમણ કયાંથી થયું તે સ્પષ્ટ રીતે કહેવું મુશ્કેલ હોય છે.

(3:36 pm IST)