ગુજરાત
News of Thursday, 26th November 2020

કોરોનાને લીધે વડોદરામાં પહેલીવાર ભગવાન વિઠ્ઠલનાથજીની નગરયાત્રા નહીં નીકળે : વરઘોડો મંદિર પરિસરમાં જ ફરશે

ભક્તો માટે દર્શન બંધ રહેશે : ભક્તોને ઘરેથી દર્શન કરવા અપીલ

વડોદરા : દેવઉઠી એકાદશી નિમિત્તે એમ.જી.રોડ પર વિઠ્ઠલનાથજી મંદિરના પરિસરમાં જ ચાંદીની પાલખીમાં ભગવાનની 211મી શોભાયાત્રા કાઢવામાં આવશે. કોરોનાને કારણે પ્રથમ વખત વિઠ્ઠલનાથજીની શોભાયાત્રા માર્ગો પર નહીં નીકળે. ભક્તો માટે દર્શન પણ બંધ રહેશે.

દેવઉઠી એકાદશી ક્યારે કરવી તે અંગે શહેરીજનોમાં પણ મતમતાંતર છે, પરંતુ શાસ્ત્રોક્ત મુજબ દેવઉઠી એકાદશી અને તુલસી વિવાહ 26 નવેમ્બર એટલે કે, આજે મનાવવામાં આવશે. તે સાથે શુભ કાર્યો શરૂ થઈ જશે. વિઠ્ઠલનાથજી મંદિરના પૂજારી હરીઓમભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, આજે સવારે 9 કલાકે ચાંદીની પાલખીમાં શોભાયાત્રા નીકળશે. આ સાથે જ સાંજે 6 થી 8માં શાસ્ત્રોક્ત રીતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવશે.

માંડવી સ્થિત ભગવાન વિઠ્ઠલનાથજીનું મંદિર આવેલું છે. નિજ મંદિરથી દર વર્ષે વરઘોડો નીકળે છે. ચાતુર્માસ બાદ શુભ કામની શરૂઆત થાય છે. શહેરના વિઠ્ઠલ મંદિરથી છેલ્લા 211 વર્ષથી વરઘોડો નીકળે છે. શોભાયાત્રાની શરુઆત રાજ પરિવાર દ્વારા કરવામાં આવે છે. હજારો ભાવિકો આ વરઘોડા મા જોડાય છે. પણ આ વર્ષે કોરોનાના વધતા વ્યાપને લઈને વિઠ્ઠલનાથજીનો વરઘોડા રાજ માર્ગ પર ફરશે નહીં, પણ પરંપરા જળવાઈ રહે તે માટે વરઘોડો મંદિર પરિસરમાં જ ફરશે અને સાંજે ભગવાનના તુલસીજી સાથે વિવાહ કરી વિધી સંપન્ન થશે. મંદિરના મંહત હરિઓમ વ્યાસએ ભક્તોને ઘરેથી જ ભક્તોને દર્શન કરવા વિનંતી કરી છે.

(10:54 am IST)