ગુજરાત
News of Thursday, 26th November 2020

ભારતમાં લોકશાહીના મૂલ્યોનું કાળજીપૂર્વક જતન : લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાજી

૮૦ ઓલ ઈન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ : કેવડિયાના ટેન્ટ સિટી ખાતે ભારતીય બંધારણ અંગે પ્રદર્શન

અમદાવાદ,તા.૨૫ : નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ટેન્ટ સિટી - માં આયોજીત અખિલ ભારતીય પીઠાસીન અધિકારીની પરિષદમાં ૭૧માં બંધારણ દિવસના અનુસંધાને ભારતીય બંધારણ પર વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું  છે, જેનું ઉદઘાટન. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાજીએ કર્યું હતું. પ્રદર્શનમાં ભારતમાં લોકશાહી મૂલ્યોનું સદીઓથી કેવી રીતે જતન કરવામાં આવ્યું છે તેની પ્રસ્તુતિ કરાઈ છે. દેશમાં ઋગવેદકાળથી કેવી રીતે જનપદ, મહાજનપદ, ગણ અને મહાગણ જેવા વિવિધ શાસન સ્વરૂપ થકી કેવી રીતે શાસનમાં જનભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવતી હતી, તે અંગેની રસપ્રદ વિગતો પણ પ્રદર્શિત કરવામાં આવી છે. પ્રદર્શનમાં સ્લાઈડ શો તેમ પોસ્ટર્સ, બેનર્સ દ્વારા ભારતીય બંધારણના વિવિધ પાસાઓની માહિતી પ્રદર્શિત કરવામાં આવી છે. પ્રદર્શનમાં લગભગ દોઢસોથી વધુ સ્લાઈડ દ્વારા ભારતીય  બંધારણના વિવિધ પાસાઓ રજૂ કરવામાં આવ્યા હતા. બંધારણ સભાના પ્રારુપ સમિતિના અધ્યક્ષ ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મજ્યંતિએ, ૨૬ નવેમ્બર, ૨૦૧૫થી દેશમાં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવે છે, તેને અનુલક્ષીને  પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

(8:56 pm IST)