ગુજરાત
News of Thursday, 26th November 2020

અપના અડ્ડા રેસ્ટોરન્ટ પાસે મારામારી : એકનું કરૂણ મોત

પાટનગરમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા

ગાંધીનગર, તા. ૨૫ : રાજ્યમાં અનેક વખત મારામારી, લૂટફાટ તેમજ ચોરીની ઘટના સામે આવતી રહે છે. ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. ગાંધીનગરની રિલાયન્સ ચોકડી નજીક બે યુવક પર હુમલામાં એકનું મોત નીપજ્યું છે જ્યારે એક ઇજાગ્રસ્ત છે. ઇજાગ્રસ્ત યુવાનનેસિવિલ હોસ્પિટલ ખેસડાયો છે. ઘટનાને લઇને ઇન્ફોસિટી પોલીસ બનાવની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે મોડી રાત્રે થયેલી મારામારીમાં એક ૨૪ વર્ષીય યુવકનું મોત થયું છે, જ્યારે એક યુવક ઈજાગ્રસ્ત થયો છે. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા યુવકની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હુમલાના સીટીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે યુવકો વચ્ચે મારામારી થઈ રહી છે.

સમગ્ર મામલે મારામારીમાં કેતનસિંહ પૃથ્વીસિંહ ગોહિલ પર છાતીના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા તેનું મોત થયું છે. જ્યારે મૃતકના મિત્ર અભિમન્યુસિંહ મહેન્દ્રસિંહ રાઠોડને શરીરનાં પાછળના ભાગે તીક્ષ્ણ હથિયાર ભોંકી દેવાયું હતું. ઉપરાંત તેને આંગળી અને મોઢાના ભાગે પણ ગંભીર ઈજાઓ થતાં અમદાવાદ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે ગાંધીનગરમાં ઇન્ફોસિટી વિસ્તારમાં અપના અડ્ડા રેસ્ટોરન્ટ પાસે એક યુવકની હત્યા થઈ છે. યુવકો વચ્ચે મારામારી થઈ હતી. મારામારી કયા મુદ્દે થઈ હતી તે જાણવા મળ્યું નથી. મામલે પોલીસે વધારે તપાસ શરૂ કરી છે.

(8:54 pm IST)