ગુજરાત
News of Tuesday, 26th October 2021

દિવાળી તહેવારમાં ખાસ ડિસ્કાઉન્ટ મળતા ખાદીના વેચાણમાં 60થી 70 ટકાનો વધારો

મોદી સ્ટાઈલના કુર્તા અને કોટીના વેચાણમાં ખુબ વધારો : મહિલાઓની ખાદીની કુર્તીનું વેચાણ વધ્યું

અમદાવાદ : કોરોના વાયરસની મહામારીના કારણે ગત વર્ષે તમામ ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા હતા. ત્યારે આ વખતે કોરોના કાબૂમાં આવતા બજારોમાં ખરીદી કરવા લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે ગત વર્ષે ખાદીનું વેચાણ ખુબ જ નીચું ગયું હતું. જો કે, આ વખતે ખાદીમાં 60થી 70 ટકા વધારો થયો છે. ખાસ કરીને મોદી કૂર્તા અને કોટીના વેચાણમાં વધારો નોંધાયો છે.

અમદાવાદમાં 2 જેટલા ખાદીના મોટા સ્ટોર આવેલા છે. મોલ અને બજારમાંથી મળતા કોટન,જીન્સ,લીનન જેવા કપડાનું ધૂમ વેચાણ થાય છે. પરંતુ ખાદી પહેરનાર લોકો ખુબ ઓછા છે. જેથી ખાદીની દુકાનોમાં ખાસ ભીડ જોવા મળતી નથી. તેમાં પણ ગત વર્ષે કોરોનાને કારણે અનેક ધંધા પર અસર પડી હતી જેમાં ખાદીના વેપાર પણ અસર જોવા મળી હતી. ત્યારે આ વર્ષે સ્થિતિ સામાન્ય થતા ખાદીના સ્ટોરમાં પણ લોકોની ભીડ જોવા મળી હતી અને ખાદીના વેચાણમાં પણ ગત વર્ષ કરતા 60થી 70 ટકા જેટલો વધારો થયો હતો.

વડાપ્રધાન મોદીના સ્ટાઈલના કુર્તા અને કોટીના વેચાણમાં ખુબ વધારો થયો છે સાથે મહિલાઓની ખાદીની કુર્તીના વેચાણમાં પણ વધારો થયો છે. ગત વર્ષે કોરોનાને કારણે ખાદીનું ખાસ વેચાણ થયું નહોતું. વેચાણ વધતા ડિઝાઈનમાં પણ નવી મૂકવામાં આવી છે ખાસ યુવા વર્ગ ખાદી પહેરે તે માટે આજની ફેશન પ્રમાણે ખાદીના રેડીમેડ કપડા તૈયાર કરવામાં આવ્યા છે. ખાદીના કુર્તા,કોટી,શર્ટ મહિલાઓની કુર્તીમાં વેચાણમાં વધારો થયો છે.કેટલીક વસ્તુ પર લોકો ખરીદી કરે તે માટે ખાસ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે.

 

દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે બજારોમાં ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભારે ભીડના કારણે વેપારી આલમમાં ખુશીની લાગણી પણ જોવા મળી રહી છે. ત્રણ દરવાજા સહિત શહેરના તમામ બજારોમાં ગત રવિવારના રોજ માનવ મહેરામણ ઉમટ્યો હતો. બજારમાં રોનક વધતાં વેપારીઓને પણ દિવાળી સુધી સારો વકરો થવાની આશા છે.

(8:39 pm IST)