ગુજરાત
News of Tuesday, 26th October 2021

ગુજરાતમાં ૧૦૮ ઈમરજન્સી દ્વારા અત્યાર સુધીમાં છેવાડાના ગામો-શહેરોમાં ૭૧ લાખથી વધુ લોકોને તાત્કાલિક આરોગ્યલક્ષી સારવાર-મદદ અપાઈ

જ્યભરમાંથી અંદાજે ૧ કરોડ ૨૭ લાખથી વધુ ઇમરજન્સી કોલ હેન્ડલ કરાયા

અમદાવાદ :ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન મોદીના સીધા માર્ગદર્શનમાં ગુજરાતમાં સામાન્ય નાગરિકોને તાત્કાલિક સારવાર મળી શકે તેવા હેતુથી તા.૨૯ ઓગસ્ટ- ૨૦૦૭માં આરોગ્ય મહાયજ્ઞ સેવા ૧૦૮ ઇમરજન્સી આરોગ્ય સેવારૂપી મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે હાલમાં પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં અવિરત ચાલી રહ્યો છે.
 આ આરોગ્યલક્ષી સેવા યજ્ઞમાં વર્ષ ૨૦૦૭થી અત્યાર સુધીમાં રાજ્યભરના છેવાડાના ગામો, તાલુકા કેન્દ્રો, જિલ્લા કેન્દ્રો અને મહાનગરોમાં ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા કુલ ૭૧ લાખ ૭૫ હજાર થી વધુ લોકોને ઈમરજન્સી આરોગ્યલક્ષી સારવાર-મદદ કરવામાં આવી છે.
૧૦૮ દ્વારા રાજ્યભરમાંથી અંદાજે એક કરોડ ૨૭ લાખથી વધુ ઇમરજન્સી કોલ હેન્ડલ કરીને જરૂરીયાત મંદને તાત્કાલિક આરોગ્ય સેવા પહોંચાડી છે.
સપ્ટેમ્બર ૨૦૨૧ની સ્થિતિએ ગુજરાતમાં ૧૦૮ ઇમરજન્સી દ્વારા મહિલાઓ માટે પ્રેગ્નન્સી કેસમાં ૪૩ લાખ ૧૯ હજારથી વધુ, રોડ અકસ્માત સંબંધી ૧૫ લાખ ૮૪ હજારથી વધુ તેમજ ૧૧ લાખ ૫૭ હજારથી વધુ લોકોને તાત્કાલિક સારવાર આપીને જીવ બચાવવામાં આવ્યા છે.
વધુમાં ૧૦૮ના ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન્સ દ્વારા ૭૨,૬૧૭ મહિલાઓની એમ્બ્યુલન્સ વાનમાં તેમજ ૩૯,૨૧૧ મહિલાઓની સ્થળ ઉપર સલામત ડિલિવરી કરાવીને ઉત્તમ સેવા આપવાનો પ્રયાસ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૧૦૮ મેડિકલ ટીમે કોરોના મહામારીમાં પણ દિવસ રાત જોયા વિના પોતાના જીવના જોખમે હજારો લોકોને નજીકની હોસ્પિટલમાં સમયસર પહોંચાડીને માનવસેવાનું શ્રેષ્ઠ કાર્ય કર્યું છે.
આ ઉપરાંત રાજ્યભરની ૧૦૮ની ટીમ દ્વારા અકસ્માતના કિસ્સામાં ભોગ બનેલા લોકોના સગાઓને તેમના સ્વજનોની લાખો રૂપિયાની રોકડ સોના-ચાંદીના દાગીના સહિતની મોંઘી વસ્તુઓ પરત કરીને પ્રમાણિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પણ રજૂ કર્યુ છે તેમ ૧૦૮ ઇમરજન્સી સેવાના ચિફ ઓપરેટિંગ ઓફિસરની યાદીમાં જણાવાયું છે.

(6:59 pm IST)