ગુજરાત
News of Tuesday, 26th October 2021

સુરતના વસ્તાદેવડી રોડ નજીક કેમિકલના વેપારની આડમાં ચાલતું દારૂનું ગોડાઉન પોલીસે ઝડપી 27.15લાખનો મુદામાલ જપ્ત કર્યો

સુરત, : સુરતના વસ્તાદેવડી રોડ ચાંદની વિડીયો થિયેટરના ગોડાઉનમાં છેલ્લા ચાર મહિનાથી કેમિકલના વેપારની આડમાં ચાલતા દારૂનું ગોડાઉન ઉપર મહિધરપુરા પોલીસે છાપો મારી રૂ.27.15 લાખની મત્તાની દારૂની 6975 બોટલ-ટીન, 4 મોબાઈલ ફોન, બે બાઈક, 68 ખાલી ડ્રમ, ડીવીઆર અને રોકડા રૂ.75,100 મળી કુલ રૂ.28.42 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે સ્થળ પરથી ગોડાઉન શરૂ કરનાર અને દારૂ લેવા આવેલા બ્યુટીપાર્લર સંચાલકને ઝડપી પાડી ગોવા અને દમણથી દારૂ મોકલતા બે અને નિયમિત દારૂ ખરીદતા 14 ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મહિધરપુરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ દાદુભા અને રાજેશભાઈ ડાહ્યાભાઈને મળેલી બાતમીના આધારે મહિધરપુરા પીઆઈ આર.કે.ધુળીયા અને સ્ટાફે વસ્તાદેવડી રોડ ટોરન્ટ પાવરની બાજુની ગલીમાં ચાંદની થિયેટરના ગોડાઉનમાં છાપો માર્યો હતો. પોલીસને ત્યાં બ્લ્યુ રંગના ડ્રમ મળતા તે અંગે ત્યાં હાજર રત્નકલાકાર જીગ્નેશ ઉર્ફે લાલો શશીકાંતભાઇ ડાભેલીયા ( રહે. જી/1, સૃષ્ટી એપાર્ટમેન્ટ, દેસાઇ ફળિયા, જુના કતારગામ પોલીસ સ્ટેશનની પાછળ, કતારગામ, સુરત. અને ઘર નં.06/202, પાટીબંધારાની શેરી, મંછરપુરા, દિલ્હી ગેટ, સુરત ) અને બ્યુટીપાર્લર સંચાલક સંજય સદાનંદ કર્ણીક ( ઉ.વ.48, રહે.ઘર નં.504, ધનલક્ષ્મી રેસીડન્સી, લિમડા શેરી, રામપુરા સ્વામીનારાયણ મંદીરની પાસે, હરીપુરા, સુરત ) ને પૂછતાં તેમણે ડ્રમમાં કેમિકલ હોવાનું જણાવ્યું હતું. જોકે, પોલીસે સચોટ બાતમી હોય એક ડ્રમ ખોલાવતાં તેમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી હતી.

 

(5:14 pm IST)