ગુજરાત
News of Tuesday, 26th October 2021

લોક સાહિત્ય ક્ષેત્રે પ્રદાન કરનાર નરોત્તમ પલાણ - ડો. અમૃત પટેલ - કાશીબેન ગોહિલ અને નાથાભાઇ ગમારને એવોર્ડ એનાયત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા : પૂ. મોરારીબાપુના હસ્તે એવોર્ડ અને રૂ. ૧ લાખનો ચેક અર્પણ : પદ્મશ્રી વિષ્ણુભાઇ પંડયાની ઉપસ્થિતિ

રાજકોટ તા. ૨૫ : ગુજરાત રાજય સરકારશ્રી દ્વારા વર્ષ ર૦૧૧ માં ગુજરાતી લોકસાહિત્યમાં સંશોધકો અને સંપાદકો જે આ ક્ષેત્રમાં દાયકાઓથી કાર્યરત છે તેઓને પ્રોત્સાહિત કરવા અને સન્માનીત કરવા શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રની સ્થાપના કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સંચાલન સોંપવામાં આવ્યું છે

બન્ને વર્ષના આ એવોર્ડસ અર્પણ કરવા માટેની સર્ચ કમિટીએ ગુજરાતના વિવિધ ભૌગોલિક વિસ્તારો અને અલગ અલગ વૈવિઘ્ય ધરાવતા લોકગાયકો, લોકસાહિત્યકારો, ભજનિકો, કલાકારોમાંથી બન્ને એવોર્ડ માટે બે–બે મહાનુભાવોને પસંદ કર્યા હતા. જેમાં શ્રી નરોતમ પલાણ તથા ડો. અમૃત પટેલને શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ તેમજ શ્રીમતી કાશીબેન ગોહિલ તથા શ્રી નાથાભાઈ ભૂરાભાઈ ગમારને લોકગાયકશ્રી હેમુગઢવી એવોર્ડ માટે પસંદ કરવામાં આવેલ હતા.

કાર્યક્રમમાં પ્રખર રામાયણી સંતશ્રી  પૂ.મોરારી બાપુના હસ્તે ગુજરાત સાહિત્ય અકાદમીના અઘ્યક્ષશ્રી પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડયા, કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીની ઉપસ્થિતિમાં શ્રી નરોતમ પલાણ તથા ડો. અમૃત પટેલને શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ તથા શ્રીમતી કાશીબેન ગોહિલ તથા નાથાભાઈ ભૂરાભાઈ ગમારને લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ, શાલ અને રૂ. ૧ લાખનો ચેક અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ હતા.

ગુજરાત સાહિત્ય અકાદમીના અઘ્યક્ષશ્રી પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડયાએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે સાહિત્ય મહોત્સવના આયોજનો કરી આપણાં સર્જકો, લોકસાહિત્યકારો અને લોક કલાકારોના પ્રદાનને છેક છેવાળાના માનવી સુધી પહોંચાડવું એ આજના સમયે ખૂબજ આવશ્યક છે. શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા આપણાં લોકસાહિત્ય, ચારણી સાહિત્ય અને ગુજરાતની પરંપરાગત કૃતિઓને જીવંત રાખવાનું ઉમદા કાર્ય કરે છે. આ માટે ગુજરાત સાહિત્ય અકાદમી અને શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર હંમેશા સહયોગ માટે તૈયાર રહેશે.

જાણીતા રામાયણી સંતશ્રી પૂ. મોરારી બાપુએ આશિર્વચન આપતા જણાવ્યું હતું કે લોકસાહિત્ય એ દેશ, રાજય કે સમાજની સંસ્કૃતિ છે. દરેક પ્રાંત, ગામ, શહેર કે રાજયના રીતીરીવાજો અલગ અલગ હોય છે. આ રીત–રીવાજોને એક કેડીએ કંડારવાનું અને લોકસંસ્કૃતિને જાગૃત કરવાનું કાર્ય શ્રી મેઘાણીજીએ ગામડે–ગામડે જઇને એકત્રીત કર્યું છે. કોઈ વિશ્વવિદ્યાલય દ્વારા લોકસાહિત્યમાં સંશોધન અને સંપાદન કરનારાનું એવોર્ડ આપી બહુમાન કરવામાં આવતું હોય એવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રથમ અને એકમાત્ર વિશ્વ વિદ્યાલય છે. કાર્યક્રમનું સંચાલન ગુજરાતી ભવનના પ્રોફેસર અને કેન્દ્રના નિયામકશ્રી ડો. જેઠાલાલ ચંદ્રવાડીયા એ કરેલ હતું. કાર્યક્રમની આભારવિધિ કુલસચિવશ્રી નીલેશભાઈ સોની એ કરેલ હતી.

(3:01 pm IST)