ગુજરાત
News of Tuesday, 26th October 2021

દિવાળી ભેટ નામે ઉચ્ચ સરકારી અધિકારીઓ પાસે કામ કઢાવવાના કારસા સામે અંતે ACB એ ધોકો પછાડ્યો

હવાઈ મુસાફરી, સોનાના દાગીના કોર્ર્પોરેટ જગત દ્વારા કામ કઢાવવા માટે આપવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદોનો આખરે પડઘો : ખાસ ટીમોની રચનાઃ આવી ભેટ લાંચ જ ગણવામાં આવશેઃ ગુન્હા દાખલ કરવામાં આવશેઃ એસીબી દ્વારા જાહેર ચેતવણી

રાજકોટઃ તા.૨૬, દિવાળીના તહેવાર દરમ્યાન સરકારી કચેરીઓમાં ફરજ બજાવતાં અધિકારી/કર્મચારીઓને વિવિધ ઉધોગગૃહો, કોર્પોરેટર હાઉસો અને સીધી કે આડકતરી રીતે સરકારી કામકાજ સાથે સંકળાયેલા ધંધાર્થીઓ તરફથી ભેટ સોગાદ આપવાની વર્ષો જુની પ્રથા અને પરંપરા છે. સામાન્ય રીતે જોવા જઈએ તો આ રીતે આપવામાં આવતી અને લેવામાં આવતી શુભેચ્છા રૂપેની ભેટ સોગાદ એ ભ્રષ્ટાચારનો જ એક હિસ્સો છે. ઘણાં કિસ્સામાં સરકારી અધિકારી/કર્મચારીને કિમતી ચીજવસ્તુઓ ઉપરાંત દેશ-વિદેશના પર્યટક સ્થળો સુધી આવવા-જવાની હવાઇ મુસાફરી તેમજ મોઘીંદાટ હોટલોમાં રહેવાની સગવડ કરી આપવા, ગીફટ વાઉચરો પણ ભેટ સ્વરૂપે આપવામાં આવતા હોવાનું ઉજાગર થવા પામેલ છે. આ પ્રકારની ભેટ સોગાદો આપવા પાછળ સરકારી કામકાજમાં પોતાનો હેતુસિધ્ધ કરવાનો જ રહેલો હોય છે.

 ચાલુ વર્ષે દિવાળીના તહેવાર દરમ્યાન શુભેચ્છા નિમિત્તે ભેટ સોગાદ આ રીતે આપવામાં આવતી હોવાનું ધ્યાને આવતા, આ પ્રકારે લાંચ લેતા અધિકારી/કર્મચારીઓને ઝડપી લેવા સારૂ ઉચ્ચ કક્ષાએથી એ.સી.બી.ના અધિકારીઓને ખાનગી રાહે વોચમાં રહી સક્રિયપણે ફરજ બજાવવા કડક સુચના આપવામાં આવેલ છે, આ સુચનાને પગલે આ પ્રકારની લાંચિયા વૃત્તિ રોકવા સારૂ એ.સી.બી.ના દરેક પોલીસ મથકે ખાસ ટીમનું આયોજન કરવામાં આવેલ છે અને વધુમાં વધુ કેસો કરવા દરેક સરકારી કચેરી ખાતે ખાનગી રાહે વોચ રાખવામાં આવી રહેલ છે.

 આ ઉપરાંત આવી પ્રવૃતિ આચરતા લાંચિયા અધિકારી/કર્મચારીઓની અલાયદી યાદી તૈયાર કરી, તેઓના રહેણાંક સ્થળે પણ ખનગીમાં વોચ રાખવામાં આવી રહેલ છે. આ પ્રકારે કોઈ અધિકારી/કર્મચારી શુભેચ્છા રૂપે લાંચ લેતા ઝડપાશે તો લાંચ રૂશ્વત વિરોધી અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવાની અને સખત પગલા લેવાની કાર્યવાહી કરવામાં આવશે.

 જૉકે એસીબી કાયદા મુજબ લાંચ લેવી જે રીતે ગુન્હો છે તેમ એક યા બીજા સ્વરૂપે લાંચ આપવી તે પણ ગુન્હો  બને છે,અનુભવી પોલીસ અધિકારીઓના મતે આવું દુષણ રોકવા માટે આવા ગુન્હા દાખલ કરવામાં આવે તો જ ધાક બેસશે, નવાઈની વાત એ છે કે પોલીસના ચોક્કસ મુખ્યાલયમાં ૨૫૦ ગ્રામ મીઠાઈ લઇને બહારગામથી નિસ્વાર્થ આવતા લોકોને રોકી લેવામાં આવે છે. આવી સત્તાવાર જાહેરાત એસીબી દ્વારા કરવામાં આવી છે.

(12:14 pm IST)