ગુજરાત
News of Tuesday, 26th October 2021

પોલીસ ગ્રેડ પે આંદોલન મુદ્દે વરિષ્ઠ અધિકારીઓ સાથે જરૂરી પરિબળોની ચર્ચા બાદ નિર્ણય લેવાશે : હર્ષ સંઘવી

સોશ્યલ મિડીયા ઉપર દિવસેને દિવસે અભિયાન વેગ પકડતા ગૃહમંત્રીનું નિવેદન

રાજકોટ તા. ૨૬ : પોલીસ ગ્રેડ પે મુદ્દે સોશિયલ મીડિયામાં એક અભિયાન ચાલી રહ્યું છે. અભિયાન દિવસેને દિવસે વિશાળ બનતું જઈ રહ્યું છે. ત્યારે આ મુદ્દે ગૃહ રાજયપ્રધાન હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે. હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે વાત અમારા ધ્યાને આવી છે. વરિષ્ઠ અધિકારીઓ સાથે જરૂરી પરિબળો અંગે ચર્ચા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં પોલીસ કર્મીઓ અને સામાન્ય નાગરીકો પોલીસની માગને લઈને પોસ્ટ કરી રહ્યા છે. જેમાં તેમની માગ છે પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASI કક્ષાના પોલીસકર્મીને ફરજોના કલાકો નક્કી કરવામાં ઙ્ગનથી આવતા. પોલીસ કોન્સ્ટેબલને ૨૮૦૦ ગ્રેડ પે, હેડ કોન્સ્ટેબલને ૩૬૦૦ અને એએસસાઈને ૪૨૦૦ ગ્રેડ પે આપવાની માંગ છે. સાથે જ કામદારોની જેમ તેમના યુનિયનને પણ માન્યતા નથી આપવામાં આવતી. આવી માગને લઈને પોલીસકર્મીઓ હવે આકરા પાણીએ છે. સોશિયલ મીડિયા સહીત જમીન પર પણ આ વિરોધ જોવા મળી રહ્યો છે. હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા ગાંધીનગર વિધાનસભામાં ધરણા કરવા બેઠા હતા.

આ સમગ્ર મામલે હર્ષ સંઘવીએ આખરે નિવેદન આપ્યું છે. અને કહ્યું છે કે વાત અમારા ધ્યાને આવી છે. વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. મંત્રીએ કહ્યું કે જે કોઈ વિષય અમારા ધ્યાને મુકવામાં આવે છે, તેમાં પોઝિટીવલી શું કરી શકાય તેના માટે બેઠકો બોલાવવામાં આવતી હોય છે. આ વિષય અમારા ધ્યાને છે. આ વિષયમાં શું છે અને શું નહીં, દરેક માહિતી લઇ રહ્યા છીએ.

(10:13 am IST)