ગુજરાત
News of Tuesday, 26th October 2021

સૌરાષ્ટ્રમાં વીજકાપના લીધે ખેડૂતો અન્ય પાકોનું વાવેતર અને વાવેતર કરેલ હોય તો સિંચાઈ કરી શકતા નથી: પરેશ ધાનાણી

સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વીજળીની ખુબ તંગી :કૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરી સાચા અસરગ્રસ્તોને સહાય પૂરી પાડવા વિરોધ પક્ષના નેતાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

અમદાવાદ ;સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વીજળીની ખૂબ જ તંગી છે. અવારનવાર વીજકાપના કારણે ખેડૂતો અન્ય પાકોનું વાવેતર પુરતી વીજળીના અભાવે કરી શકતા નથી અને વાવેતર કરેલ હોય તો વીજળીના અભાવે સિંચાઈ કરી શકતા નથી. તૌકતે વાવાઝોડા બાદ હાલની સ્થિતિએ પણ ખેતીવિષયક વીજપુરવઠો 100% પુનઃસ્થાપિત કરી શકાયો નથી. જેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

સરકાર દ્વારા તા. 18મી ઓક્ટોબરના ઠરાવથી રાજ્યના ફક્ત ચાર જિલ્લાઓમાં કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ છે, જેના કારણે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લા અને તાલુકાઓને અન્યાય થવા પામ્યો છે. સરકારની આવી ભેદભાવભરી નીતિના કારણે સરકાર દ્વારા મળવાપાત્ર સહાયથી સાચા અસરગ્રસ્તો વંચિત રહી જશે.

રાજ્ય સરકારે આ અંગે સમગ્ર રાજ્યમાં વરસાદથી થયેલ નુકસાની અંગે તાત્કાલિક અસરથી સર્વે કરાવી, ચાર જિલ્લા ઉપરાંત જે પણ તાલુકા અને જિલ્લામાં વરસાદના કારણે નુકસાની થઈ છે તેનો કૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરી સાચા અસરગ્રસ્તોને સહાય પૂરી પાડવા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલને વિનંતી કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલને ઉદ્દેશીને લખેલા પત્રમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓમાં અધિકથી અત્યાધિક વરસાદના કારણે મોટાભાગના જિલ્લાઓમાં ખૂબ નુકસાન થવા પામેલ છે. આ જિલ્લાઓમાં વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયેલ છે. રસ્તાઓનું ધોવાણ થયેલ, કેટલાક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી.

નદી-નાળા છલકાઈ જવાથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયેલ, ખેડૂતોના ખાતર-બિયારણ નિષ્ફળ ગયેલ હોવાથી લીલા દુષ્કાળની સ્થિતિ નિર્માણ પામેલ છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ઘુસી જતા લોકોના ઘરવખરી તથા માલસામાનને નુકસાન થયેલ હોવાથી મોટું આર્થિક નુકસાન થવા પામેલ છે.

ખેડૂતોના ખેતી પાકને થયેલ નુકસાન, લોકોના ઘરવખરી, માલસામાન અંગે તાત્કાલિક સર્વે કરાવી, ખરેખર થયેલ નુકસાનનું 100% વળતર મળે તથા માનવ મૃત્યુ અને પશુ મૃત્યુની સહાય તાત્કાલિક ચૂકવાય તે માટે જરૂરી કાર્યવાહી કરાવવા મેં આપને 30 સપ્ટેમ્બરના રોજ પત્ર લખ્યો હતો.

રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તાજેતરમાં તા. 18 ઓક્ટોબરના ઠરાવથી ખરીફ-2021માં સપ્ટેમ્બર માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકસાન અન્વયે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સદર પેકેજમાં જામનગર, રાજકોટ, જુનાગઢ અને પોરબંદર એમ માત્ર ચાર જ જિલ્લાનો સમાવેશ કરવામાં આવેલ છે. અમોએ અમારા પત્રમાં 29 સપ્ટેમ્બરની સ્થિતિએ વિગતવાર રજૂઆત કરી હતી. સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવેલ છે તેમાં ફક્ત ચાર જ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.

આ ચાર જિલ્લાઓમાં રેકર્ડ આધારિત 100% ઉપરાંત વરસાદ નોંધાયેલ છે. તેવી જ રીતે અન્ય જિલ્લાઓના ઘણા તાલુકાઓમાં પણ 100% ઉપરાંત વરસાદ નોંધાયેલ છે તેવા જિલ્લા અને તાલુકાઓને રાહત પેકેજથી વંચિત રાખવામાં આવેલ છે. આવો ભેદભાવ સરકાર કેમ રાખી રહી છે ? સૌરાષ્ટ્રના જે જિલ્લાઓમાં પેકેજ જાહેર નથી થયું તેનો સર્વે કરવામાં આવે તો ત્યાં પણ મગફળી, કપાસ, કઠોળ, તલ, શાકભાજી વગેરે ખેતી પાકોને વરસાદના કારણે ભારે નુકસાન થવા પામેલ છે અને જમીનનું પણ મોટાપાયે ધોવાણ થયેલ છે.

સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વીજળીની ખૂબ જ તંગી છે. અવારનવાર વીજકાપ કરવામાં આવે છે. જેથી વીજકાપનો પ્રશ્ન હલ કરવા સહિત તમામ જિલ્લાઓમાં તાત્કાલિક સર્વે કરાવીને બાકીના જિલ્લાઓના ખેડૂતોને સરકારી સહાય ચુકવવા માંગણી કરી છે.

(12:20 am IST)