ગુજરાત
News of Tuesday, 26th October 2021

પ્રજાલક્ષી કાર્યો અને વિકાસના કામો ઝડપી કરો:આટલું ધીમું કામ કરશો તો નહીં ચાલે : વડોદરાના મેયરને સી.આર.પાટીલની ટકોર

બીજી વાર આવીએ ત્યારે વડોદારવાસીઓના ફોન આવે કે હવે અંહી કોઇ ગાયો અને ભિક્ષુક દેખાતા નથી તેવું વાતાવરણ બનાવી પરિણામ બતાવવા સુચન

વડોદરા ; ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સુરતની કામગીરીની પ્રશંસા કર્યા પછી વડોદરાના મેયર કેયુરભાઇ રોકડીયાને ટકોર કરી હતી કે કેયુરભાઇ પ્રજાલક્ષી કાર્યો અને વિકાસના કામો ઝડપથી કરો. મને તો લાગતું હતું કે કેયુર ખૂબ ઝડપથી કામ કરશે પરંતુ આટલું ઘીમું કામ કરશે તે નહી ચાલે અને બીજી વાર આવીએ ત્યારે વડોદારવાસીઓના ફોન આવે કે હવે અંહી કોઇ ગાયો અને ભિક્ષુક દેખાતા નથી તેવું વાતાવરણ બનાવી પરિણામ બતાવવા સુચન કર્યુ હતું.

સી.આર. પાટીલે વિશ્વાસ સાથે જણાવ્યું કે મેયર કેયુર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્રભાઇ પટેલ સહિત બધા હવે પરિણામ તરફ આગળ વધશે. જયારે દારૂબંધી અંગે તેમણે જણાવ્યું કે દારુબંધી પર વધુ કડક અમલવારી દિવાળી પછી જોવા મળશે.

વડોદરા ખાતે સરદાર ધામ આયોજીત ગ્લોબલ પાટીદાર બીઝનેસ સમિટ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે સરદાર ધામમાં 51 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. તેમણે વધુમાં સંબોધન કરતા જણાવ્યું કે પાર્ટી કે સમાજમાં હજુ પણ બહેનોને જોઇએ તે પ્રમાણમાં પ્રાધાન્ય મળતું નથી. જે સમાજ બહેનોને મહત્વ આપે છે, જવાબદારી આપે છે તે સમાજની પ્રગતિ ખૂબ ઝડપથી થાય છે.

પાટીલે સરદાર વલ્લભભાઇ પટેલને યાદ કરતા જણાવ્યું કે સરદાર વલ્લભભાઇ પટેલ પર અમને અતુટ શ્રદ્ધા છે જેનું ઉદાહરણ કેવડિયામાં ભાજપની કારોબારી બેઠક કરી એ છે. સરદાર પટેલના કહેવા પર લોકોએ પોતાના રજવાડા પણ છોડી દીધા હતા. સરદાર સાહેબે આખા દેશને અખંડીત કરવાનો પ્રયત્ન કર્યો અને એટલે જે સરદાર પટેલ લોખંડી પુરુષ તરીકે ઓળખાય છે. સમાજને સંગઠીત કરીને સમાજના ભાઇ-બહેનોને પ્રોત્સાહીત કરીને માર્ગદર્શન આપી બધા સાથે છે તેવો વિશ્વાસ અપાવવાના પ્રયાસને બીરદાવ્યો હતો. આ કારણે જ આખો સમાજ, આપણું ગુજરાત અને આખો દેશ પ્રગતિના પંથે જશે, પટેલો જે ધારે છે તે કરે છે એવા અનેક દ્રષ્ટાતો વિશ્વને ખબર છે તેમ પાટીલે જણાવ્યું હતું.

ભાજપ પ્રદેશ અધ્યક્ષે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા બનાવી બાદ કેવડિયામાં પ્રવાસન ક્ષેત્રમાં પણ પ્રવાસીઓનો વધારો થયો છે અને પહેલા લોકો તાજમહેલ જોવા જતા હતા પરંતુ આજે 2 વર્ષથી વિદેશના લોકો સૌથી પહેલા કેવડિયા સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા જોવા આવે છે. સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાથી આખી દુનિયા હવે ગુજરાતને ઓળખતી થઇ છે. લોકો હવે ઇન્ટરનેટમાં સૌથી વધુ સર્ચ કરતા હોય તો તે પણ સરદાર વલ્લભભાઇ પટેલ છે તેમના વિશે ઇન્ટરનેટ પરથી માહિતી લેતા હોય છે.

 

પાટીલે ઉમેર્યું હતું કે આ સમિટમાં નવા યુવાનો બિઝનેસ માટે આવી રહ્યા છે. આજના બિઝનેસ કરતા યુવાનો પાસે ઇન્ફાસ્ટ્રકચર છે તેમની પાસે વડીલોનો વારસો છે યુવાનોને વડિલો જે રીતે પ્રોત્સાહીત કરે છે ખૂબ ઉચું ભણતર આપવામાં મદદ કરી છે તેનાથી યુવાનો બિઝનેસને ટોચ પર લઇ જવા પ્રયત્ન કરી રહ્યા છે. અને આવનાર નવી પેઢી વધુ સારો બીઝનેસ કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

પાટીલે આજે ફરી એકવાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ સજ્જન વ્યકિત હોવાનું જણાવતાં કહ્યું હતું કે, આપણને જે મુખ્યમંત્રી તરીકે મળ્યા છે અને સમિટમાં સરકાર તરફથી કોઇ પણ અડચણ આવતી હશે તો ચોક્કસ આપણે તેમને રજૂઆત કરીશું જો કોઇ નીતિમાં અવરોધ આવશે તો સાથે મળીને રજૂઆત કરીશું તો તેમના તરફથી અવરોધ દૂર કરવાનો સહકાર મળશે.અને ભાજપના નાનામાં નાના કાર્યકરથી લઇ આગેવાન નેતાઓ પણ મદદ કરવા તત્પર રહેશે.

આ કાર્યક્રમમાં મહામંત્રી ભાર્ગવભાઇ ભટ્ટ, ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્યો યોગેશભાઇ પટેલ, સીમાબેન મોહિલે, અક્ષયભાઇ પટેલ, મધુભાઇ શ્રીવાસ્તવ, જીતેન્દ્રભાઇ સુખડીયા, પ્રદેશના સહ પ્રવકતા ભરતભાઇ ડાંગર, મેયર કેયુરભાઇ રોકડીયા, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી ,સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન હિતેન્દ્રભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઇ શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઇ પટેલ સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(10:53 pm IST)