ગુજરાત
News of Tuesday, 26th October 2021

ગ્રેડ પે વધારા મુદ્દે વિધાનસભા બહાર ધરણા પર બેઠેલા પોલીસ કર્મી પોતાની વ્યથા રજૂ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા

બાપુનગરમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા ગાંધીનગર વિધાનસભામાં ધરણા કરવા બેઠા

ગાંધીનગર :પોલીસમાં ફરજ બજાવી રહેલા કર્મીઓ ગ્રેડ-પે વધારાને લઈ ધરણા પર બેઠા છે. ગાંધીનગર વિધાનસભા બહાર એક પોલીસકર્મી ધરણા પર બેઠો હતો. તે પોતાની વ્યથા રજૂ કરતી વેળા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. આ પોલીસકર્મ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.

રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવી રહેલા પોલીસકર્મીઓ સરકાર પાસે ગ્રેડ-પે વધારવાની માંગ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં પણ પોલીસકર્મીઓ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. અનેક પોલીસકર્મીઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સરકાર પાસે ગ્રેડ-પે વધારવાની માંગ કરી રહ્યાં છે. ત્યારે અમદાવાદના બાપુનગરમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા ગાંધીનગર વિધાનસભામાં ધરણા કરવા બેઠા હતા. તેઓ પોતાની વ્યથા વ્યક્ત કરતા રડવા લાગ્યા હતા.

સોશિયલ મીડિયા પર ગ્રેડ-પે મુદ્દે ચાલી રહેલા આંદોલનને લઈને રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યુ કે, જે કોઈ મુદ્દા છે તે અમારા ધ્યાને આવ્યા છે. તે બાબતે અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી છે. જરૂરી પરિબળો સાથે ચર્ચા કર્યા બાદ સકારાત્મક પગલા લેવાશે. હર્ષ સંઘવીએ કહ્યુ કે, અમે આ મુદ્દાને પોઝિટિવ જોઈશું.

 

ગુજરાત રાજ્યના ASI, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલના ગ્રેડ પે ખૂબ જ ઓછા છે, જેના બદલે 4200, 3600, 2800 ગ્રેડ પે કરવામાં આવે. ગુજરાતના તમામ પોલીસ કર્મચારીઓનો ફરજનો સમય નક્કી કરવામાં આવે અને 8 કલાકથી વધારે નોકરીમાં માનવ અધિકાર મુજબ યોગ્ય વળતર આપવામાં આવે. હાલ ગુજરાતના તમામ વિભાગોમાં યુનિયન છે તે રીતે પોલીસનું પણ યુનિયન બનાવવા દેવામાં આવે.

ગુજરાતના વિવિધ કર્મચારી યુનિયનના દબાણથી કર્મચારીઓનો ગ્રેડ પે અને ભથ્થામાં સુધારા થઈ રહ્યા છે. રાજ્યના તમામ કર્મચારીઓના મળવા પાત્ર લાભ અંગે બંધારણીય સમાનતા જળવાઈ રહે તે માટે પોલીસ કર્મચારીઓના જાહેર હિતમાં રજૂઆત કરી કર્મચારીઓને વિવિધ સેવાઓ આપવામાં માંગણી કરવામાં આવી છે.

રાજ્યના ASI(આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર), હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલના ગ્રેડ પે ખૂબ ઓછા છે. જેના બદલે 4200, 3600, 2800 ગ્રેડ પે કરવા તેમજ ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓને મળતા વર્ષો જુના ભથ્થામાં તાત્કાલિક વધારો કરવા માગણી કરવામાં આવી છે. આ પોલીસ કર્મીઓ દ્વારા ગ્રેડ પે વધારોની માંગણીની સાથે સાથે યુનિયન બનાવવાની પણ માંગણી કરી રહ્યા છે.

(10:39 pm IST)