વડોદરા:નકલી પોલીસ બની ગઠિયાએ મહિલા પાસેથી સોનાની બંગડી તફડાવી લેતા ગુનો દાખલ
વડોદરા: પોલીસનું ચેકિંગ ચાલે છે,તેવું કહીને મહિલાની સોનાની બંગડીઓ નકલી પોલીસે પડાવી લીધી હતી.જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મકરપુરા વિસ્તારમાં રહેતા હર્ષાબેન નામની મહિલા આજે સાંજે ઘરેથી કામ માટે બહાર નીકળ્યા હતા.તે સમયે એક વ્યક્તિએ તેઓને પોલીસનું આઇકાર્ડ બતાવી કહ્યું હતું કે, આગળ ચેકિંગ ચાલે છે.તમારા દાગીના કાઢીને રૃમાલમાં મૂકી દો.આરોપીઓના સાગરિતે ઢોંગ કરીને તેના ગળામાંથી સોનાની ચેન કાઢીને રૃમાલમાં મૂકી દીધી હતી.તે જોઇને મહિલાએ પણ સોનાની ચાર બંગડીઓ રૃમાલમાં વીંટીને મૂકી દીધી હતી.ઘરે જઇને તેમણે ચેક કર્યુ તો રૃમાલમાં માત્ર એક જ બંગડી હતી.અને તે પણ નકલી.જે અંગે મહિલાએ પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.