ગુજરાત
News of Monday, 27th September 2021

પ્રચારની ભૂખે હદ વટાવી : ચૂંટણી પ્રચાર વેળાએ કૂતરાને ભાજપનો ખેસ પહેરાવ્યો

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન વોર્ડ નં. 5માં ઉમેદવાર સાથે કાર્યકર્તા કૂતરાને લઈને આવ્યા: પ્રસિદ્ધિ ભૂખે ફજેતો કરાવ્યો

ગાંધીનગર : ચૂંટણી પ્રચાર કરવા માટે કાર્યકર્તાઓ અને નેતાઓ ક્યારેક એવું કરી બેસે છે જેમાં પ્રચાર અપીલ કરતા ફજેતી વધારે થાય છે. ઘણી વખત બોલવામાં જીભ લપસે છે તો ક્યારેક પ્રચારમાં એવી વસ્તુઓનો ઉપયોગ કરી બેસે છે જેની કોઈએ કલ્પના પણ કરી ન હોય. ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે. તા.3 ઑક્ટોબરના રોજ ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી યોજાવવાની છે.

આ માટે ઉમેદવારો તથા કાર્યકર્તાઓ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને આ વખતે ભાજપના કાર્યકર્તાઓએ હદ વટાવી દીધી છે.

આ દરમિયાન ગાંધીનગરના વૉર્ડ નં.5માં ભાજપના ચૂંટણી પ્રચાર દરમિયાન એક કૂતરાને ભાજપનો ખેસ પહેરાવીને પ્રચાર હેતું ફેરવવામાં આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. અમુક કાર્યકર્તાઓ સસ્તી પ્રસિદ્ધિ માટે કુતરાનો સહારો લઈ રહ્યા છે. કોર્પોરેશનની ચૂંટણીને લઈને પ્રચાર અભિયાન ગાંધીનગરમાં ચાલી રહ્યું છે. ચૂંટણી બાદ ભલે ઉમેદવાર એક વખત પણ શેરીમાં ન ડોકાય પણ અત્યાર ઘરે ઘરે જઈને પ્રભાવ પાડી રહ્યા છે.

ડોર ટુ ડોર પ્રચાર અભિયાનમાં ઉમેદવારો કાર્યકર્તાઓ સાથે દરરોજ દસ કિમીથી પણ વધારે ફૂટવર્ક કરી રહ્યા છે. આ સ્થિતિમાં ભાજપ તરફથી સસ્તી પ્રસિદ્ધિ માટે કૂતરાનો ઉપયોગ થતા બીજા કાર્યકર્તાઓ નારાજ થયા છે. ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન વોર્ડ નં. 5માં ઉમેદવાર સાથે કાર્યકર્તા કૂતરાને લઈને આવ્યા હતા. જેમાં તેણે કૂતરાને પણ ભાજપનો ખેસ પહેરાવી દીધો હતો.

(11:36 pm IST)