ગુજરાત
News of Sunday, 26th September 2021

કોરોનાના આંકડા છૂપાવવા માટે સર્ટીફીકેટમાં મુત્યુનું કારણ અન્ય રોગ દર્શાવ્યું: સુધારવા કોંગ્રેસની માંગણી

સોમવારે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો સરકારનો વિરોધ કરવાની સાથો સાથ 4 લાખની સહાયની માંગ કરશે.

અમદાવાદ :કોરોનામાં મુત્યુ પામેલા મુતકના પરિવારને 50 હજાર રૂપિયા ચૂકવવાની કેન્દ્ર સરકાર તરફથી સુપ્રિમ કોર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસ દ્રારા કોરોનાના આંકડા છૂપાવવા માટે સર્ટીફીકેટમાં મુત્યુનું કારણ અન્ય રોગ દર્શાવ્યું છે તે સુધારવાની માંગ સાથે આજે ઘીકાંટા વિસ્તારમાં કાર્યક્રમ યોજયો હતો.સોમવારે વિધાનસભામાં પણ કોંગ્રેસના ધારાસભ્યો સરકારનો વિરોધ કરવાની સાથોસાથ 4 લાખની સહાયની માંગ કરશે.

કોંગ્રેસના દરિયાપુર વિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વધુમાં નિવેદનમાં જણાવ્યું છે કે, કોરોનાથી રાજયમાં થયેલા મુત્યુને લઇને કોંગ્રેસે કોવિડના મુતકોના પરિવારને 4 લાખની સહાય આપવા સમગ્ર રાજયમાં ન્યાય યાત્રા યોજીને મુતકોના પરિવારોની વિગતો એકઠી કરી છે.

જેમાં કોંગ્રેસે 25 હજારથી વધુ મુતકોના પરિવારના ઘરે જઇને માહિતી મેળવી છે. અને સરકારે કોરોનામાં મુત્યુ પામેલા મુતકોના આંકડા છૂપાવવા માટે દર્દીઓના ડેથ સર્ટીફીકેટમાં મુત્યુના કારણમાં અન્ય રોગ દર્શાવ્યું છે. પરંતુ સ્મશાનની પાવતી મુજબ મુતકની અંતિમવિધિ કોરોના ગાઇડલાઇન મુજબ કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસની માંગ છે કે ડેથ સર્ટીફીકેટમાં મુત્યુનું કારણ કોરોના દર્શાવી મુતકના પરિવારને 4 લાખની સહાય ચુકવવામાં આવે. ઉપરાંત કોવિડગ્રસ્ત તમામ દર્દીઓના પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર મેળવી હોય તો મેડિકલ બિલની ચૂકવણી કરવામાં આવે.

વધુમાં તેમણે સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું છે કે, કોરોનામાં સરકારની બેદરકારીની ન્યાયિક તપાસ સોંપવામાં આવે અને કોરોના વોરિયર્સ કે સરકારી કર્મચારીઓના કોરોનાથી મુત્યુ થયું હોય તેમના પરિવારજનોને સરકારી નોકરી આપવાની કોંગ્રેસે માંગ કરી છે.

કોવિડ ન્યાય યાત્રામાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિત ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, કોંગ્રેસના શહેર પ્રમુખ ચેતન રાવલ ઉપરાંત દરિયાપુરના કાઉન્સિલરો નિરવ બક્ષી, ઇમ્તિયાઝ શેખ, સમીરા શેખ વગેરે હાજર રહ્યા હતા.

(10:32 pm IST)