ગુજરાત
News of Sunday, 26th September 2021

ડીસાના કંસારી ગામના ખેતરો-ઘરોમાં પાણી ભરાયા

બનાસકાંઠામા આફતનો વરસાદ : કંસારીમાં પડેલા વરસાદના કારણે પાકો રસ્તો તળાવમાં ફેરવાતા રસ્તા ઉપર કમર સુધી પાણી ભરાઈ ગયા છે

બનાસકાંઠા, તા.૨૬ : શહેરના ડીસા પંથકમાં પડેલા ધોધમાર વરસાદે ડીસા પંથકમાં વરસાદી આફત લાવી સર્જી છે. ડીસાના કંસારી ગામના ખેતરો અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે તો પશુઓ માટેનું ઘાસ પણ વરસાદના પાણીમાં પલળી જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. તો ઘરોમાં ઢીંચણસમાં પાણી ભરાઈ જતાં ઘરવખરી બગડી ગઈ છે. અચાનક પડેલા વરસાદના કારણે લોકોને પોતાના ઘરની ચીજવસ્તુઓ યોગ્ય જગ્યાએ ખસેડવાનો સમય ન મળતાં લોકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ડીસાના કંસારીમાં ધોધમાર વરસાદના કારણે ઘરોમાં પાણી ઘુસ્યા છે. ઘરમાં ઢીંચણ સુધી પાણી ભરાયા છે ઘર માલિક પાણીમાં ઉભા છે. કંસારી ગામમાં ખેતરો અને ઘરોમાં તો પાણી ભરાયા છે. જોકે કંસારીના ૭૦ -૮૦ ઘરો તરફ જતો પાકો રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પાકા રસ્તા ઉપર કમર સુધી પાણી ભરાતા રસ્તો તળાવ બની ગયો છે. જેથી ૭૦ -૮૦ ઘરોના લોકોને આવવા જવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

કંસારીમાં પડેલા વરસાદના કારણે પાકો રસ્તો તળાવમાં ફેરવાતા રસ્તા ઉપર કમર સુધી પાણી ભરાયા છે. ડીસા પંથકમાં પડેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાયા છે પણ ડીસા -ધાનેરા હાઇવે ઉપર પણ પાણી ભરાયા છે. જેમાં કંસારી ટોલટેક્ષ ઉપરના હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકો પાણીમાંથી મહા મુસબીતે ધીરેધીરે પસાર થઈ રહ્યા છે. ડીસા પંથકમાં પડેલા વરસાદે આફતી કહેર વર્તાવ્યો છે.

(9:12 pm IST)