ગુજરાત
News of Saturday, 26th September 2020

અમદાવાદ-ઉદયપુર હાઇવે પર દેખાવકારોનો કબજો છેલ્લા 40 કલાકથી 10 કિમી માર્ગ પર તનાવ અને હિંસા

હાઇવે અને આસપાસની હોટલો અને દુકાનોમાં લૂંટફાટ : 7 કન્ટેનરો સહિત 30 વાહનોને આગ ચાંપી

ડુંગરપુરઃ રાજસ્થાનમાં છેલ્લા 15 દિવસથી ચાલી રહેલા શિક્ષક ભરતી અંગેનું આંદોલન વધુ હિંસક બન્યું છે. છેલ્લા 40 કલાકથી અમદાવાદ-ઉદયપુર હાઇવે પર 10 કિમી માર્ગ પર તનાવ અને હિંસાનું સામ્રાજ્ય છવાયેલું છે. આંદોલનકારીઓએ હાઇવે અને આસપાસની હોટલો અને દુકાનોમાં લૂંટફાટ ચલાવી હતી. સાથે 30 વાહનોને આગ પણ ચાંપી દીધી હતી.

હિંસાને પગલે પોલીસે 700 પ્રદર્શનકારીઓ સામે કેસ દાખલ કર્યો છે. જ્યારે તનાવને પગલે અરવલ્લી હાઇવે સૂમસામ ભાસી રહ્યું છે. હોટલો પર હજારો ટ્રકોનો ખડકલો થઇ ગયો છે. આંદોલનને પગલે નેશનલ અરવલ્લીનાં હાઈવે બંધ કરાતાં વાહનો અન્ય માર્ગો ઉપર ડાયવર્ટ કરાયા છે.

જ્યારે દેખાવકારોનું કહેવું છે કે કેટલાક લોકોબાઇક પર આવ્યા હતા. તેમણે અમારી નજર સમક્ષ અમારી દુકાનોમાં લૂંટફાટ ચલાવી હતી. સાથે નજીકની સ્કૂલમાં પણ તોડફોડ કરી હતી.

દેખાવકારોએ 7 કન્ટેનરો સહિત 30 વાહનોને આગચંપી કરી હતી. રાજસ્થાન સરકારે જયપુર ગ્રામીણના એસપી શંકર દત્ત શર્માને સ્પેશિયલ ડ્યૂટી પર તહોનાત કરી દીધા છે. ડુંગરપુર સરહદે મોથલી વળાંક ખાતે ભારે સંખ્યામાં પોલીસ ગોઠવી દેવાઇ છે. દરમિયાન ખેરવાડાથી ઉદયપુર રોડ પર અઢી કિમી અંતરે ટોલ પ્લાઝા નજીક હાઇવે પર મોડી રાત્રે પહાડીઓ પરથી વાહનો પર પથ્થરમારો કરાયો હતો. Rajasthan Protest

દેખાવકારે શિક્ષક ભરતીની બિનઅનામત 1167 જગ્યા એસટી વર્ગથી ભરવાની માગ કરી રહ્યા છે. જેના લીધે કાંકરી ડૂગરી પર્વત પર 17 દિવસથી દેખાવો યોજાઇ રહ્યા છે. શુક્રવાર અને શનિવારે દેખાવકારોએ અમદાવાદ-ઉદયપુર હાઇવેના 10 કિમી વિસ્તાર પર કબજો જમાવી અરાજકતા ફેલાવી હતી.

રાજ્ય સરકાર અને પોલીસ સઘળા પ્રયાસો કરી રહ્યા હોવા છતાં હાઇવે ઓપન કરવામાં નિષ્ફળ રહ્યા છે. તંત્રે તકેદારીના પગલાં તરીકે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. સાથે જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવાઇ છે.

આંદોલનને પગલે નેશનલ અરવલ્લીનાં હાઈવે બંધ કરાતાં પ્રશાસન દ્વારા વાહનો અન્ય માર્ગો ઉપર ડાયવર્ટ કરાયા હતા. પરંતુ ડાયવર્ટ કરાયેલા આ માર્ગો પર જવા માટે અનેક કિલોમીટર ફરીને જવું પડે તેવી હાલત થઇ છે.

(9:45 pm IST)