ગુજરાત
News of Saturday, 26th September 2020

ભાજપે હિન્દુ ધર્મની આસ્થા સાથે ચેડા કર્યા :ભ્રષ્ટાચાર ‘અંતિમધામ’ને પણ ભરખી ગયો

સુરતના અંતિમધામ મામલે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાના ગંભીર આક્ષેપ

અમદાવાદઃ સુરતના અંતિમધામ મુદ્દે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કર્યો છે ભાજપે હિન્દુ ધર્મની આસ્થા સાથે ચેડા કર્યા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ( જીપીસીસી )ના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું કે ટેક્ષના નાણાં ‘અંતિમધામ’ ના નામે ભાજપના જનપ્રતિનિધિઓ ચાઉં કરી ગયા છે.

 મોઢવાડિયાએ જણાવ્યું કે આ  અંગેના સ્પષ્ટ પુરાવા હોવા છતાં શા માટે પગલા ભરવામાં આવતા નથી.  ‘અંતિમધામ’ હિન્દુધર્મની આસ્થા સાથે જોડાયેલ હોવા છતાં ભાજપના જ જનપ્રતિનિધિઓએ ‘અંતિમધામ’ના કરોડો રૂપિયા જાહેર નાણાંમાં ગેરરીતિ આચરી છે.

  તેમણે કહ્યું કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લિંબાયત વિસ્તારમાં આધુનિક સ્મશાન ભૂમિ બનાવવા માટે ‘અંતિમધામ હિન્દુ સ્મશાન ભૂમિ’ સંસ્થા નામથી રજિસ્ટર્ડ થયેલી સંસ્થાને જમીન પર બાંધકામ માટે રૂ. 6.41 કરોડ ની માતબર રકમ મંજુર કરવામાં આવી હતી જેમાં રૂ. 4.05 કરોડ ભાજપના લિંબાયત વિસ્તારના ધારાસભ્ય જેના ટ્રસ્ટી છે તે ટ્રસ્ટને ચુકવી દેવામાં આવ્યા છે.

તેમણે પ્રશ્ન કર્યો કે બાંધકામ જો 20 થી 30 ટકા રકમમાં જ થયું હોય તો બાકીના નાણાં ક્યાં ગયા ? કામમાં કોઈ પ્રગતિ સધાઈ ન હોવા છતાં વર્ષ 2020માં રૂ.22.79 લાખ મંજૂર કરવામાં આવ્યા હોવાનું જણાવીને અર્જુન મોઢવાડિયાએ ઉમેર્યું છે  કે, ભાજપનો ગતિશીલ ભ્રષ્ટાચારે ‘અંતિમધામ’ ને પણ ભરખી ગયો. હોસ્પિટલો, શાળાઓ, જાહેર સંપત્તિમાં ભ્રષ્ટાચાર આચરનાર ભાજપના જનપ્રતિનિધિઓ હવે ‘અંતિમધામ’  ના નાણાં પણ ચાઉં કરી રહ્યા છે.

 વધુમાં ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ અને પૂર્વ કાઉન્સfલર નિતિન ભરૂચાએ તમામ પુરાવા સાથે લેખિત ફરિયાદ કરી હોવા છતાં આજ દિન સુધી કેમ પગલા ભરવામાં આવ્યા નથી ? કોના રાજકીય દબાણથી પોલીસ તપાસ કરાતી નથી ?

સુરત કોર્પોરેશન પાસે વ્યવસ્થાતંત્ર, જમીન, એન્જીનિયરો તમામ હોવા છતાં ટ્રસ્ટને ‘અંતિમધામ’ સોંપવા પાછળ માત્રનો માત્ર ભાજપાના ધારાસભ્ય અને નજીકના લોકો ટ્રસ્ટી હોવાથી જ ગોઠવાયું હોવાનું દસ્તાવેજો પરથી સ્પષ્ટ થાય છે ત્યારે, સુરત મહાનગરપાલિકા તાત્કાલીક લિંબાયત ખાતેના અંતિમધામનું કામ ટ્રસ્ટ પાસેથી પાછું લઈ ‘અંતિમધામ’ નું નિર્માણ કરે.

મહાનગરપાલિકામાં શાસન પણ ભાજપનું અને જે ટ્રસ્ટને 6.41કરોડ રૂપિયાની માતબર ગ્રાન્ટ ‘અંતિમધામ’ માટે અપાઈ તે ટ્રસ્ટના ટ્રસ્ટી પણ ભાજપના ધારાસભ્ય, શું આ મેળાપીપણાં નથી ?
સ્મશાનભૂમિની આડમાં કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર આચરવાના ‘કચ્ચા ચિઠ્ઠા’ ખૂલ્લા પડી ગયા છતાં ભાજપનું મોવડી મંડળ કેમ ચૂપ છે ?

હિન્દુઓની આસ્થા ‘અંતિમધામ’ ના બાંધકામમાં પણ ભ્રષ્ટાચાર – ગેરરીતિ છતાં શાસકો કેમ પગલા ભરતા નથી ? ભાજપાના લિંબાયત વિસ્તારના ધારાસભ્ય ‘અંતિમધામ હિન્દુ સ્મશાનભૂમિ ટ્રસ્ટ’ ના ટ્રસ્ટી છે. સાથોસાથ અન્ય સભ્યો પણ ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષના નજીકના વહીવટકર્તા છે.

સુરતના લીંબાયત વિસ્તારના ‘અંતિમધામ’ માં ગેરરીતિ આચરનાર સામે તાત્કાલીક પગલા ભરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા એ માંગ કરી છે

(9:44 pm IST)