ગુજરાત
News of Saturday, 26th September 2020

ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ લખ્યો પીએમ મોદીને પત્ર :ગરૂડેશ્વર પાસે બનાવેલ વિયર ડેમમાં કોઈક તાંત્રિક ખામી હોવાની આશંકા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ માંજ ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાએ સીએમ રૂપાણીને એક પત્ર લખી પોલીસ ગુંડાઓને છાવરે છે તેવા આક્ષેપ કર્યા બાદ નર્મદા જિલ્લામાં આ પત્ર બાદ ભારે ચર્ચા જાગી હતી ત્યાં આજે મનસુખભાઇ વસાવાએ એક પત્ર પીએમ મોદીને લખ્યો છે જેમાં જણાવ્યા મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી સારો પ્રોજેક્ટ છે પરંતુ તેને વિકસાવવા બનાવેલ અન્ય પ્રોજેક્ટ પૈકી ગરૂડેશ્વર પાસે બનાવેલ વિયર ડેમ માં કોઈક તાંત્રિક ખામી હોવાની આશંકા જણાવી છે.
 વિયર ડેમના કારણે પાણીનો પ્રવાહ વધવાથી ગરુડેશ્વર પાસે આવેલ ધાર્મિક સ્થળોને નુકસાન થયું છે ગરુડેશ્વર કાંઠા વિસ્તારના બંને બાજુના ખેડૂતોની જમીનનું પણ ધોવાણ થયું છે.પ્રખ્યાત દત્ત મંદિરના પટાંગણમાં ચાલતી આઠ ધોરણ સુધીની આશ્રમશાળામાં પણ નુકસાન થયું છે. સામા કિનારાના કેટલાય ગામોના ખેડૂતોની જમીન પણ ધોવાઈ ગઇ છે.
  નર્મદા પરિયોજના અને વિયર ડેમ માટે કેટલાય સ્થાનિક આદિવાસીઓ અને ગરીબોએ જમીન આપી બલિદાન આપ્યું છે ત્યારે કેટલાકને હજી રોજગારી નથી મળી અને તેઓ અસંતુષ્ટ છે વળી કેટલીક જગ્યાએ હજી પણ સિંચાઇનું પાણી નથી મળતું.તેમ જણાવી પીએમને આ મુદ્દાઓ પર ધ્યાન આપી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઘટતું કરવા વિનંતી કરવામાં આવી છે.ત્યારે ભાજપના જ સાંસદના આ લેટર બૉમ્બ બાદ આ મુદ્દાઓનો ક્યારે અંત આવશે એ જોવું રહ્યું.

(6:41 pm IST)