ગુજરાત
News of Saturday, 26th September 2020

સુરત: પુણામાં પોલીસે મધ્યરાત્રીએ છાપો મારી મહિલા દ્વારા ચલાવાતું જુગારધામ ઝડપી બે મહિલા સહીત પાંચ પુરુષોને ઝડપી પાડયા

સુરત:પુણા પોલીસે સીતાનગર ચાર રસ્તા પાસેની નેતલદે પાર્ક સોસાયટીમાં ગત મોડીરાત્રે છાપો મારી મહિલા દ્વારા ચલાવાતું જુગારધામ ઝડપી પાડી ત્યાં જુગાર રમતી સંચાલક ઉપરાંત બે મહિલા અને પાંચ પુરુષને ઝડપી પાડી રોકડા રૂ.19,300 અને 6 મોબાઈલ ફોન મળી કુલ રૂ.39,800 નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પુણા પોલીસે મળેલી બાતમીના આધારે ગતરાત્રે 10 વાગ્યાના અરસામાં સીતાનગર ચાર રસ્તા પાસેની નેતલદે પાર્ક સોસાયટી ઘર નં.190 માં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહેતા અને શાકભાજી વેચતા ગાયત્રીબેન સંજયભાઈ બારૈયા ( ઉ.વ.29 ) ને ત્યાં છાપો માર્યો હતો. પોલીસે ગાયત્રીબેન દ્વારા ચલાવાતા જુગારધામમાંથી જુગાર રમતા ગાયત્રીબેન ઉપરાંત ત્યાં જ રહેતા અને શાકભાજીનો વેપાર કરતા દિનેશ બચુભાઈ મકવાણા ( ઉ.વ.32 ), રત્નકલાકારો યોગેશ ઠાકરસિંહભાઈ ઝાલા ( ઉ.વ.29, રહે.89, સપના સોસાયટી, મારુતીચોક, વરાછા, સુરત ), ભાણાભાઈ વાલાણી ( ઉ.વ.40, રહે.29, જવાહર સોસાયટી, પુણા ગામ, સુરત ), પ્રદીપ મોહનભાઇ કુસ્વાહ ( ઉ.વ.29, રહે.96, રામરાજ્ય સોસાયટી, કાપોદ્રા, સુરત ), મનસુખ ભગવાનભાઇ મકવાણા ( ઉ.વ.32, રહે.72, ભગીરથ સોસાયટી, કાપોદ્રા, સુરત ) અને સાડીનું કામ કરતી રેખા ભાવેશભાઈ વાઢેર ( ઉ.વ.40, રહે.103, પહેલો માળ, રાધેશ્યામ સોસાયટી, સીતાનગર, પુણા, સુરત ) અને જયશ્રી મુકેશભાઈ ખસીયા ( ઉ.વ.34, રહે. સંતોષીનગર, વરાછા, સુરત ) ને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.19,300 અને 6 મોબાઈલ ફોન મળી કુલ રૂ.39,800 નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

(5:40 pm IST)