સુરતના ભટાર વિસ્તારમાં કારખાનામાંથી ગુટખા ખાવા નીકળવું કારીગરને ભારે પડ્યું: તીક્ષણ હથિયારના ઘા જીકી કરપીણ હત્યા થતા પોલીસે તપાસ હાથ ધરી
સુરત: શહેરના ભટાર રવિતેજ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં મળસ્કે ગુટખા ખાવા કારખાનામાંથી બહાર ગયેલા કારીગરની હત્યા કરેલી લાશ કારખાના નજીક જ મળી આવી હતી. નાઈટ શિફ્ટમાં કામ કરતા અન્ય બે કારીગરો સાથે ચા પીધા બાદ નીકળેલા કારીગરને કારખાના નજીક જ કોઈકે પડખામાં તિક્ષ્ણ હથિયાર મારી પતાવી દીધો હતો. ખટોદરા પોલીસે કેટલાક શકમંદોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને સુરતમાં બે મોટા ભાઈ અને તેમના પરિવાર સાથે ભટાર આઝાદનગર રોડ રસુલાબાદ ગલી નં.13 ઘર નં.34 માં રહેતો 24 વર્ષીય આશિષ રામસાગર કનોજીયા ભટાર રવિતેજ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી ખાતા નં.23 માં મુકેશભાઈના એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરતો હતો. ગતરાત્રે નાઈટ શિફ્ટમાં નોકરીએ ગયેલો આશિષ આજે મળસ્કે 4.45 વાગ્યે સાથી કારીગર અમિત દુબેએ લાવેલી ચા તેની સાથે અને અન્ય કારીગર રોહિતકુમાર પાંડે સાથે પીધા બાદ ગુટખા ખાવા માટે કારખાનામાંથી નીચે ઉતર્યો હતો. જોકે, આશિષ ઘણા સમય સુધી પરત આવ્યો ન હતો અને બાદમાં બાજુના કારખાનામાં કામ કરતા કારીગરે કોઈક મજુર તમારા ખાતાની બહાર પડેલો છે તેમ કહેતા ખાતાની આગળ ગલીમાં જઈ જોયું તો આશિષ લોહીલુહાણ હાલતમાં મૃત પડેલો હતો. આ અંગે આશિષના મોટાભાઈ લલનને જાણ કરતા તે દોડી આવ્યો હતો અને તેણે ખટોદરા પોલીસને જાણ કરી હતી.