ગુજરાત
News of Saturday, 26th September 2020

ગાંધીનગર નજીક ધોળેશ્વર બાંધકામ સાઈટ નજીક ભેખડ ધસી પડતા મજૂરોમાં દોડધામ:બે મજૂરો દટાઈ જતા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી

ગાંધીનગર: નજીક ગીફટ સીટી રોડ ઉપર આજે બપોરના સમયે ધોળેશ્વર પાસે નવી બની રહેલી સંસ્કૃતિ બાંધકામ સાઈટના બેઝમેન્ટના ખોદકામ દરમ્યાન ઓચિંતી ભેખડ ધસી પડતાં મજુરોમાં દોડધામ મચી ગઈ હતી. જો કે બે મજુરો દટાઈ જતાં ગાંધીનગર ફાયર બ્રિગેડે બચાવ કામગીરી હાથ ધરી હતી પરંતુ આ મજુરો બચી શકયા નહોતા. તેમના મૃતદેહને ફાયર બ્રિગેડે બહાર કાઢયા હતા. આ ઘટના અંગે જાણ થતાં ઈન્ફોસીટી પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાના પગલે મજુરોમાં પણ ભારે રોષ વ્યાપ્યો હતો.       

ગાંધીનગર શહેરની બહાર હાલ મોટી સંખ્યામાં નવી બાંધકામ સાઈટો ચાલી રહી છે ત્યારે ગુડા તંત્ર દ્વારા યોગ્ય સુપરવીઝનના અભાવે દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે. રીલાયન્સ ચાર રસ્તા પાસે થોડા મહિના અગાઉ બાંધકામ સાઈટની ભેખડ ધસતાં ચાર વ્યક્તિઓના મોત નીપજયા હતા. અહીં પ્રોટેકશન દિવાલ નહીં હોવાનું ધ્યાને આવ્યું હોવા છતાં ભોયરા સાથે તૈયાર થતી આ નવી ઈમારતોમાં ખોદકામ સમયે પ્રોટેકશન વોલ ઉભી કરવામાં આવતી નથી તેના કારણે વધુ એક દુર્ઘટના સર્જાઈ છે.

(5:35 pm IST)