ગુજરાત
News of Saturday, 26th September 2020

કુંવરજી બાવળીયાથી મને કોઇ ફર્ક નહીં પડેઃ કોળી સમાજના ટ્રસ્‍ટી મંડળની બેઠકમાં મત્‍સ્‍ય ઉદ્યોગ મંત્રી પુરૂષોત્તમ સોલંકીનું મોટુ રાજકીય નિવેદન

ગાંધીનગર: કોળી સમાજના ટ્રસ્ટી મંડળને ફરી બેઠું કરવા માટે આજે અતિ મહત્વની બેઠક યોજાઈ હતી. કોળી સમાજના ટ્રસ્ટી મંડળની બેઠક મળી હતી. જેમાં મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકી સહિતના કોળી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. બેઠકમાં મંત્રી પુરુષોત્તમ સોલંકીએ સ્પષ્ટ દાવો કર્યો કે, કોળી સમાજના ટ્રસ્ટી મંડળના કેટલાક સભ્યોનું અવસાન થયું છે. તેમની ખાલી જગ્યા ઉપર હીરા સોલંકી સહિતના નવા લોકોને સામેલ કરવામાં આવશે.

મને મંત્રીમંડળમાંથી દૂર નહિ કરાય

નજીકના ભવિષ્યમાં મંત્રીમંડળમાંથી પુરુષોત્તમ સોલંકીને પડતા મૂકી શકાય છે તેવી વાતો સંદર્ભે પુરુષોત્તમ સોલંકી સ્પષ્ટતા કરી કે, આવી કોઈ વાત નથી. જો મારી નાંદુરસ્ત તબિયતને કારણે પડતા મૂકવા હોત તો મંત્રીમંડળમાંથી ક્યારનાં પડતા મૂક્યા હોત. પણ મેં પાર્ટી માટે ઘણું કર્યું છે અને મને વિશ્વાસ છે કે મંત્રીમંડળમાંથી પડતાં મૂકવાની વાત નથી. જો કોઇ વાત હશે તો કોળી સમાજે વિચાર કરવાનો છે.

કુંવરજી બાવળિયા વિશે પુરુષોત્તમ સોલંકીનું નિવેદન

ભાજપમાં પુરુષોત્તમ સોલંકીનું કદ ઘટાડવા માટે કુંવરજી બાવળિયાને સામેલ કર્યા હોવાની વાત પર પણ પુરુષોત્તમ સોલંકીએ મોટું નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે, કુંવરજી બાવળિયા સમાજ માટે કામ કરતા હશે તેવું મને વિશ્વાસ છે. મારા કદને કોઈ ફેર નહિ પડે.

કોળી સમાજમાં રાજકીય દાવપેચ ચાલે છે

કોળી સમાજના ટ્રસ્ટી મંડળના આગેવાનોના મતે કોળી સમાજનો માત્ર રાજકીય ઉપયોગ થાય તે કોઈપણ સંજોગોમાં ચલાવી નહિ લેવામાં આવે. કોળી સમાજના વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે પણ વિચાર કરવો પડશે. ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટીઓએ જણાવ્યું કે, આજની બેઠક નવા ટ્રસ્ટીઓને સામેલ કરીને પંદર વર્ષથી જે રાજકીય દાવપેચ સમાજમાં ચાલી રહ્યા છે તેને ખતમ કરવા માટે બોલાવવામાં આવી છે.

(5:21 pm IST)