ગુજરાત
News of Saturday, 26th September 2020

અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન નગરદેવી ભદ્રકાળીનું મંદિર ખુલ્લુ રહેશેઃ ભક્‍તો કરી શકશે દર્શન

અમદાવાદ: નવરાત્રિને હવે થોડા દિવસો બાકી રહ્યાં છે. નવરાત્રિ એટલે માતાની આરાધનાનો દિવસ. ત્યારે અનેક ભક્તો માતા મંદિરના દર્શન કરવા જતા હોય છે. આવામાં અમદાવાદીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. નવરાત્રિમાં નગરદેવી માં ભદ્રકાળીનું મંદિર ખુલ્લું રાખવામાં આવનાર છે. નવરાત્રિમાં દર્શનાર્થીઓ મા ભદ્રકાળીના દર્શન કરી શકશે. કોરોનાકાળમાં નવરાત્રિ દરમિયાન અનેક મંદિર દર્શનાર્થી માટે બંધ રહેવાના છે.

નગરદેવીનું મંદિર નવરાત્રિમાં ખુલ્લુ રહેશે તે જાણ થતા ભક્તોમાં ઉત્સાહ ફેલાયો છે. કારણ કે, નવરાત્રિમાં મા કાળીના દર્શનનો અનેરો મહિમા હોય છે. પરંતુ નગરદેવી મા ભદ્રકાળી મંદિરને સરકારની ગાઇડલાન મુજબ ખુલ્લુ રાખવામાં આવશે. સામાજિક અંતર સાથે મંદિરમાં દર્શનાર્થીઓ દર્શન કરી શકશે. ઉલ્લેખનીય છે કે, 17 ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે.

કોરોનાકાળમાં લોકડાઉનમાં પણ લાંબો સમય સુધી નગરદેવીનું મંદિર બંધ કરવામાં આવ્યું હતું. જેના બાદ મંદિર ખૂલતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. જોકે, મંદિર પ્રશાસન સામે નવરાત્રિમાં ભક્તોનું મેનેજમેન્ટ કરવું આકરું બની રહેશે. નવરાત્રિના નવ દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં આવતા હોય છે. તેમજ મંદિર પણ મુખ્ય બજારની વચ્ચે છે. આવામાં કોરોના ગાઈડલાઈનને ફોલો કરવી મહત્વની છે. નહિ તો, સંક્રમણ ભક્તોમાં વધી શકે છે.

(5:19 pm IST)