ગુજરાત
News of Saturday, 26th September 2020

કેગના રિપોર્ટમાં પાણીદાર યોજનાની ખુલ્લી પોલ

રાજયના ૨૦ જિલ્લામાં તો પીવાલાયક પાણી જ નથીઃ ક્ષારનું દુષણ

અમદાવાદ, તા.૨૬: વિધાનસભાના ચોમાસુ સત્રમાં સામાજિક ક્ષેત્રના માર્ચ ૨૦૧૮ના કેગના અહેવાલમાં ચોંકાવનારા તારણો સામે આવ્યાં છે. ગુજરાતમાં ગ્રામ્ય પેય જળ પાણી પુરવઠા કાર્યક્રમના અમલીકરણના સંદર્ભમાં કેગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, રાજયના ૨૦ જિલ્લાઓમાં પીવાલાયક પાણી જ નથી. કેગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતના ૨૦ જિલ્લામાં ક્ષારનું દૂષણ છે. ૧૭ જિલ્લામાં કલોરાઈડ, ૬ જિલ્લામાં આર્યન તથા ૨૨ જિલ્લામાં નાઈટ્રેટનું દૂષણ છે. રાજયની ૧૦ ટકા વસવાટોમાં પીવાલાયક પાણીના કોઈ સ્ત્રોત નહીં હોવાનો ખુલાસો પણ કર્યો છે.

કેગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૦૧૩થી ૧૮ દરમયાન પીવાના પાણીનું પરિક્ષણ કરાયું હતું. જેમાં પાણીના ૬,૨૯,૫૧૭ નમુનાઓ લેવામાં આવ્યાં હતા. જેમાંથી ૧,૧૫,૨૨૪ નમુનાઓ રાસાયણીક રીતે અયોગ્ય જણાયા હતાં. આમાંથી ૨૭,૨૬૯ નમુનાઓમાં કલોરાઈડની માત્રા વધારે પ્રમાણમાં મળી આવી હતી. આ જ રીતે પીવાના પાણીની ગુણવત્તાના સંદર્ભમાં પરિક્ષણ કરાયું હતું જેમાં ચોમાસા પૂર્વે ૩૭૧૪ વસવાટોના સ્ત્રોત અયોગ્ય જણાયા હતાં. ચોમાસા પહેલા અને બાદના બેકટેરિયોલોજીકલ પરિક્ષણોમાં સામે આવ્યું છે કે, ૫,૫૮,૧૫૬ નમુનામાંથી ૩૧૩૨૨ નમુનાઓમાં બેકટેરિયોલોડજીકલ માપદંડો માટે અયોગ્ય હતાં. જયારે ૨૦૧૭-૧૮ દરમયાન પાણીના ૧,૨૩,૭૭૧ નમુનાઓમાંથી ૩૪૯૪ નમુનાઓ અયોગ્ય ઠર્યાં હતાં. ૨૦૧૩થી ૨૦૧૮ દરમયાન ૮ ટકા નમુનાઓ નાઈટ્રેટ, ફ્લોરાઈડ, ટીડીએસ વગેરેની વધારે માત્રાના કારણે અયોગ્ય ઠેરવવામાં આવ્યાં હતાં.

પાણીના પરિક્ષણ માટે ચોક્કસ માપદંડો નિર્ધારીત કરવામાં આવ્યાં છે. પરંતુ ગુજરાતમાં આવેલી લેબોરેટરીઓએ આર્યન તથા આર્સનિકને લગતા પરિક્ષણ જ કરતી ન હતી. કારણ કે, તેમની પાસે આ માપદંડોના પરીક્ષણ કરવા માટેના જરૂરી ઉપકરણો તેમજ રાસાયણો ન હતા. કેગની સમાપન બેઠકમાં અગ્ર સચિવે જણાવ્યું કે, ભવિષ્યમાં ગુજરાતમાં ઓછામાં ઓછા ૩૪ માપદંડોનું પરિક્ષણ થાય તે સુનિશ્યિત કરાશે.

સરકારે દાવો કર્યો છે કે, ૩૫૯૯૬ વસવાટોમાંથી ૩૩૦૪૪ વસવાટોને સુવિધા ઉપલબ્ધ હતી. કેગમાં બહાર આવ્યું કે, ૭૮ પૈકી ૬૪ વસવાટોમાં જ આ સુવિધાઓ હતી. જે પૈકી ૩૨ વસવાટોમાં ચકાસણી કરતા પાઈપથી પાણી આપવાની સુવિધા બંધ હતી. સમગ્ર દેશની સ્થિતિએ ગુજરાતના ૯૧.૧૧ ટકા વસવાટોને પાઈપ પડે પાણી પૂરવઠાની સુવિધા ઉપલબ્ધ હતી.

પરિક્ષણ કરાયેલા નમુનાઓમાં નાઈટ્રેટ તથા ફ્લોરાઈટનું એકદંરે દૂષણ ૧૧.૮૯ ટકા અને ૪.૩૩ હતું. ગુજરાતમાં નાઈટ્રેટના ઉંચા દૂષણવાળા જિલ્લાઓમાં છોટા ઉદેપૂર, દાહોદ, બનાસકાંઠા, પંચમહાલ તથા વડોદરાનો સમાવેશ થાય છે. આ જ રીતે ફ્લોરાઈડના દૂષણથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત જિલ્લાઓમાં દાહોદ, છોટા ઉદેપૂર પંચમહાલ, બનાસકાંઠા તથા ખેડાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

(1:07 pm IST)