ગુજરાત
News of Saturday, 26th September 2020

તામિલ શાળા ચાલુ રાખવા તામિલનાડુના મુખ્યમંત્રીનો વિજયભાઇને પત્ર : સંપૂર્ણ ખર્ચ ઉઠાવવા તૈયારી

અમદાવાદમાં ૮૧ વર્ષ જુની રાજયની એકમાત્ર તામિલભાષી સ્કૂલ ઓછી સંખ્યાના કારણે બંધ કરાઇ

અમદાવાદ તા. ર૬: શહેરના ખોખરા વિસ્તારમાં સ્થિત ગુજરાતની એકમાત્ર તામિલ ભાષાની શાળાને બંધ કરવાની ગુંજ તામિલનાડુ સુધી પહોંચી છે. તામિલનાડુના મુખ્યમંત્રી કે. પલાની સ્વામીએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇને પત્ર લખી તામિલ ભાષામાં શિક્ષણ આપતી શાળાને બંધન કરવા માંગ કરી છે. ઉપરાંત તેમણે શાળાનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાની તૈયારી પણ દર્શાવી છે.

પત્રમાં પણની સ્વામીએ વધુમાં જણાવેલ કે, શાળામાં ઓછી સંખ્યાની હાજરીના મુદ્દાને લઇને અચાનક બંધ કરવાના સમાચારથી વ્યથીત છું. તામિલ ભાષા જુની ભાષા છે અને ગુજરાતના વિકાસમાં પણ યોગદાન છે. ગુજરાતમાં અલ્પસંખ્યક ભાષાને બચાવી રાખવા પગલા લેવાની જરૂર છે. મુખ્યમંત્રી વિજયભાઇ આ મામલે ડખલ કરી તામિલ શાળા ચાલુ રહે તે અંગે યોગ્ય આદેશ કરે. મને આશા છે કે ગુજરાત સરકાર તામિલભાષી અલ્પસંખ્યકોના અધિકારોની રક્ષા કરશે.

અમદાવાદના ખોખરા સ્થિત ૮૧ વર્ષ જુની તામિલ સ્કુલને અચાનક બંધ કરવાનો નિર્ણય સંચાલકો દ્વારા કરાયો છે. ઓછા વિદ્યાર્થીઓની સંખ્યાના કારણે બંધ કરાય છે. જેના વિરોધમાં ઓલ ગુજરાત સ્ટુડન્ટ ફેડરેશનના પ્રમુખ જયોર્જ ડાયસે આંદોલન શરૂ કર્યું છે.

જયોર્જ ડાયસે માંગ કરી છે કે ગુજરાત સરકાર શાળાને પોતાના હસ્તક લઇ ખુદ સંચાલીત કરવાનો નિર્ણય લે. કેમ કે તામિલનાડુના મુખ્યમંત્રીએ પણ શાળા શરૂ કરવાની માંગ કરી છે.

(11:25 am IST)