ગુજરાત
News of Saturday, 26th September 2020

RTO દ્વારા ૨.૯૩ લાખ વાહનોમાંથી પ્રત્યેક પાસેથી ગેરકાયદેસર રીતે રૂ. ૨૦૦ વસૂલાયા

RTO વિભાગ એગ્રીમેન્ટ કેન્સલેશન બાદ સ્માર્ટ કાર્ડ માટે ૨૦૦ રૂપિયા વસૂલ કરતું હતું

અમદાવાદ તા. ૨૬ : CAGની રિપોર્ટમાં જાણવા મળી રહ્યું છે કે રાજયમાં RTO દ્વારા વર્ષ ૨૦૧૭થી ૨૦૧૯ દરમિયાન ૨.૯૩ લાખ વાહન માલિકો પાસેથી પહેલાથી કરાયેલું એગ્રીમેન્ટ કેન્સલ કરાવ્યા બાદ સ્માર્ટકાર્ડ આપવા માટે ૨૦૦ રૂપિયા પડાવવામાં આવ્યા છે.

CAGએ નોંધ્યું કે ડિસેમ્બર ૨૦૧૬ના આદેશમાં મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટે ઉલ્લેખ કર્યો હતો કે પહેલાથી કરાવેલા એગ્રીમેન્ટના કેન્સલેશન બાદ નવા સર્ટિફિકેટ રજિસ્ટ્રેશન માટે વધારાની ફી ૨૦૦ ચાર્જ કરી શકાય.

જોકે ગુજરાતમાં ઘ્ખ્ઞ્ના ધ્યાનમાં આવ્યું કે RTO વિભાગ એગ્રીમેન્ટ કેન્સલેશન બાદ સ્માર્ટ કાર્ડ માટે ૨૦૦ રૂપિયા વસૂલ કરતું હતું. CAGએ પોતાની રિપોર્ટમાં નોંધ્યું કે, ૧૩ RTOના ડેટાની તપાસ કરતા પર માલુમ પડ્યું કે, ૨૦૧૭થી ૨૦૧૯ના બે નાણાંકીય વર્ષમાં ૨.૯૩ લાખ વ્હીકલ માલિકોએ જૂના એગ્રીમેન્ટને કેન્સલ કરવા તથા સ્માર્ટકાર્ડ અપડેટ માટે એપ્લાય કર્યું હતું.

RTOએ આ વાહન માલિકોને નવું કાર્ડ આપવા માટે ૫.૮૬ કરોડ રૂપિયા ફી વસૂલ કરી છે. CAGએ રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે કે, જોગવાઈઓનું ખોટું અર્થઘટન કરવાના પરિણામે આ ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. ઉપરાંત CAGની રિપોર્ટમાં તે પણ ધ્યાને આવ્યું કે, ૧૨ RTO અને ARTOમાં વાહનોની સીટિંગ કેપેસિટી ૧૪થી ૯૯૯ વચ્ચે બતાવવામાં આવી છે, જયારે હકીકતમાં આ વાહનોમાં તેટલી સીટિંગ કેપેસિટી છે જ નહીં. રિપોર્ટમાં ઉદાહરણ આપતા કહેવાયું છે કે અમદાવાદ, ભરુચ અને બોટાદમાં કારની સીટિંગ કેપેસિટી ૧૪થી ૯૯૯ હતી જયારે થ્રી-વ્હીલર અને માલવાહક વાહન જેમાં માત્ર બે વ્યકિતની સીટિંગ કેપેસિટી છે તેને ૪૩૫થી ૯૯૯ સીટિંગ કેપેસિટીની મંજૂરી આપવામાં આવી છે.

(11:25 am IST)