ગુજરાત
News of Saturday, 26th September 2020

CBSEની માફક ગુજરાતમાં અભ્યાસક્રમ ઘટાડે રાજ્ય સરકાર : કોંગ્રેસની માંગણી

અનલોકમાં બધા ધંધા રોજગાર શરુ થયા પરંતુ હજુ સુધી શિક્ષણનો મુદ્દો અટવાયેલો છે : ફીનો મુદ્દો વિકટ બન્યો છે

અમદાવાદઃ કોંગ્રેસે સરકારને CBSEની માફક ગુજરાતમાં અભ્યાસક્રમ ઘટાડવા માંગ કરી છે.પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું છે કે રાજ્યમાં અનલોકમાં બધા ધંધા રોજગાર શરુ થઇ ગયા પરંતુ હજુ સુધી શિક્ષણનો મુદ્દો અટવાયેલો છે.

મનીષ દોશીએ કહ્યું કે તેમાંય વળી ઓનલાઇન શિક્ષણ તેમ જ ફીનો મુદ્દો વિકટ બન્યો છે. આ મુદ્દો આજે ચોરેને ચોટે ચર્ચાનો મુદ્દો બન્યો છે. જેના કારણે વાલીઓ ચિંતાતુર છે. ત્યારે  સરકાર અવઢવભરી સ્થિતિમાંથી બહાર આવીને આ અંગે સ્પષ્ટતા કરવી જોઇએ. તેમણે આ સાથે  કેટલાંક સૂચનો પણ કર્યા છે

   ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું છે કે,લોકડાઉનની જાહેરાત સૌ પ્રથમ શાળા- કોલેજો બંધ રાખવામાં આવી હતી. પરંતુ હવે સૌથી છેલ્લે કોલેજો ખુલવાની છે. કોરોના વધતા સંક્રમણને ધ્યાનમાં લઇને વાલીઓ સતત ચિંતિત છે. રાજય સરકારે જયાં સુધી કોરોના સંક્રમણ અટકે નહીં ત્યાં સુધી શાળા કોલેજો ખોલવી ના જોઇએ

છેલ્લાં ઘણાં સમયથી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય માત્ર ઓનલાઇન અને મર્યાદિત સમય માટે જ ચાલી રહ્યું છે. સરવે મુજબ વાસ્તવિક સ્થિતિ જોઇએ તો 47 ટકા વિદ્યાર્થીઓ જ ઓનલાઇન એજ્યુકેશન મેળવી રહ્યાં છે. ઓનલાઇન એજ્યુકેશનના કારણે અસમાનતામાં વધારો થઇ રહ્યો છે. તે ચિંતાનો વિષય છે. આ સંજોગોમાં સરકાર ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કેટલાંક મુદ્દાઓની સ્પષ્ટતા સાથે જાહેરાત કરે તેવી માંગણી કરી છે.

રાજયમાં માર્ચથી શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે અને ઓક્ટોબર નવેમ્બર સુધી શાળાઓ ખુલે તેવી શક્યતા નથી. શાળાઓના ઇલેક્ટ્રીસિટી, વહીવટી ખર્ચ, મેન્ટેનન્સ તથા અન્ય ખર્ચા સદંતર બંધ છે. આ સંજોગોમાં સામાન્ય/મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને, વાલીઓને એક સત્રની ફી માફ કરવી અત્યંત જરૂરી છે. આ બાબતે સરકાર, સંચાલકો સાથે તાત્કાલિક સંવાદ દ્વારા ઉકેલ લાવે.

નવા શૈક્ષણિક સત્રમાં અભ્યાસક્રમમાં કેટલો ઘટાડો કરવો તે અંગે રાજય સરકારે હજુ સુધી નિર્ણય કર્યો નથી. ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકગણ સતત ચિંતામાં છે. રાજય સરકારે તાકીદે તાર્કીક રીતે અભ્યાસક્રમમાં શૈક્ષણિક દિવસોને ધ્યાનમાં લઇ ઘટાડો કરવો જોઇએ.

સીબીએસઇ દ્વારા અભ્યાસક્રમમાં જેમ ઘટાડો કર્યો તેમ ગુજરાતમાં પણ તે ઘટાડવાની સાથે પરીક્ષા પધ્ધતિ, ગુણભાર સહિતની બાબતોને પણ તાત્કાલિક જાહેર કરવી જોઇએ. જેથી વિદ્યાર્થીઓને તેને અભ્યાસ કરાવતાં વિષય શિક્ષકો, પરીક્ષાલક્ષી તૈયારી કરાવવાનું આયોજન કરી શકે

(11:00 pm IST)