ગુજરાત
News of Thursday, 26th September 2019

રાત્રે અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ :ઠેર-ઠેર પાણી ભરાયા : શાહીબાગ અંડરબ્રિજ બંધ : પૂર્વ વિસ્તાર પાણીમાં ગરકાવ

મેઘરાજાએ ધમાકેદાર બેટિંગથી સમગ્ર શહેરને ઘમરોળ્યું : રસ્તામાં પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી :

અમદાવાદ :અમદાવાદમાં આજે રાત્રે અનરાધાર વરસાદે સમગ્ર શહેરને ધમરોળ્યું છે રાત્રે પવન ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, રસ્તામાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

  અમદાવાદમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી  છે. અમદાવાદમાં એસજી હાઈવે, પ્રહલાદનગર, ન્યુ રાણીપ, ઘાટલોડીયા, જીવરાજપાર્ક તો આ બાજુ પૂર્વમાં નારોલ, નરોડા, બાપુનગર, અમરાઈવાડી સહિત તમામ વિસ્તારમાં ભારે પવન સાથે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે.

ભાદરવાના તડકા બાદ અમદાવાદમાં બે દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા શહેરમાં બફારા વચ્ચે લોકોએ ગરમીથી હાશકારો અનુભવ્યો હતો. તેવામાં આજે રાત્રે જોરદાર વરસાદ ખાબક્યો હતો

  રાત્રે 9 વાગ્યા બાદ મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. આસપાસ શહેરના ઈસ્કોન વિસ્તાર, એસજી હાઈવે સહિત આસપાસના વિસ્તારો સાથે સમગ્ર શહેરને ભારે વરસાદે ઘમરોળ્યું છે. જેને કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ છે. મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળતા શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ શહેરનો પૂર્વ વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થઇ ગયો છે

(11:28 pm IST)