ગુજરાત
News of Wednesday, 26th September 2018

હવે પોલીસ મથકોમાં ચાઇલ્ડ ફ્રેન્ડલી કોર્નરનો નવો કોન્સેપ્ટ

માતા-પિતા સાથે આવતા બાળકો માટે અલગ રૂમઃ બાળકોને બેંચીસ, રમકડાં, સ્ટોરી બુક્સ,ઓડિયો-વીડિયો ફેસિલિટીઝ, પીવાના પાણી સહિતની સુવિધા મળી શકશે

અમદાવાદ,તા. ૨૬: અમદાવાદ શહેરના પ૪ સહિત રાજ્યભરનાં કુલ ૯૦૦થી વધુ પોલીસ સ્ટેશનમાં માતા-પિતા સાથે આવતાં બાળકો માટે તમામ પોલીસ સ્ટેશનમાં આવનારા ભવિષ્યમાં હવે બાળકો માટે અલાયદો ચાઈલ્ડ ફ્રેન્ડલી રૂમ અથવા કોર્નર બનાવાશે. જયાં બાળકોને બેંચીસ, રમકડાં, સ્ટોરી બુક્સ,ઓડિયો-વીડિયો ફેસિલિટીઝ, પીવાના પાણી સહિતની સુવિધાઓ પ્રાપ્ય બનાવાશે. આ માટે રાજય પોલીસ તંત્ર દ્વારા આગામી દિવસોમાં અસરકારક કામગીરી પણ હાથ ધરવામાં આવશે. સામાન્ય રીતે પોલીસ સ્ટેશનનું નામ પડતાં જ કોઈ પણ ફફડી ઊઠે છે. સામાન્ય લોકો પોલીસ તો ઠીક પણ પોલીસ મથકથી પણ દૂર રહેવાનું પસંદ કરે છે. બાળ ગુનેગારો તો પોલીસ મથકે આવતા જ હોય છે પણ સાથે-સાથે ફરિયાદ ચોરી કે અન્ય ફરિયાદ-અરજી કે પાસપોર્ટ સહિતના કામ માટે બાળકો માતાપિતા સાથે પોલીસ મથકે આવતાં હોય છે. આવા સંજોગોમાં પોલીસ મથકમાં લોકઅપ, પોલીસની ઉગ્રતા કે તોછડાઈભરી વાતચીત, ગુનેગારોની સતત અવરજવર સહિતના માહોલમાં બાળકોના મગજ પર વિપરીત અસર પડતી હોય છે. પોલીસ અને પોલીસ મથકની આ વર્ષોજૂની છબીના કારણે નાગરિકો તો ઠીક પણ બાળકો પણ પોલીસ મથકના પગથિયા ચઢતાં ગભરાય છે. આ અંગે રાજ્યના અધિક પોલીસ મહાનિદેશક સીઆઇડી ક્રાઇમ અનિલ પ્રથમે જણાવ્યું હતું કે બાળ ગુનેગારો કે ગુનાનો ભોગ બનનારા બાળકો કે માબાપ સાથે પોલીસ સ્ટેશનમાં આવતા બાળકોને પોલીસ સ્ટેશનમાં ફ્રેન્ડલી વાતાવરણ મળે તે હેતુથી ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નરનો કોન્સેપ્ટ શરૂ કરાયો છે, જે ક્રમશઃ રાજ્યભરમાં અમલી થશે. બાળ ગુનેગારો કે ગુનાનો ભોગ બનનારા બાળકોને વારંવાર પોલીસ સ્ટેશન આવવું પડે છે તેના કારણે તેમના મગજ પર વિપરીત અસર ન પડે તે માટે પણ ફ્રેન્ડલી વાતાવરણ જરૂરી છે. બાળ ગુનેગારોને પોલીસ મથકમાં પણ ઘર જેવું અને ભવિષ્યના ઘડતર માટે સારું વાતાવરણ મળી રહે તે માટે પ્રયાસો કરશે, જેના લીધે ગુનેગારો ગુનો કરતાં અટકીને સારું જીવન જીવે તેના માટે ફ્રેન્ડલી વાતાવરણ પૂરું પડાશે. જે પોલીસ મથકમાં વધુ જગ્યા હશે ત્યાં ચાઈલ્ડ ફ્રેન્ડલી રૂમ બનાવાશે અને જ્યાં જગ્યાની મર્યાદા હશે ત્યાં ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નર બનાવાશે, જેમાં બાળકોને પ્રિય એવાં સાધનો હશે, દીવાલને કલરફૂલ પેઇન્ટ કરાશે, બેંચીસ, રમકડાં, સ્ટોરી બુક્સ,,ઓડિયો-વીડિયો ફેસિલિટીઝ, પીવાના પાણીની અલાયદી વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે.

 સાથે સાથે પોલીસ બાળ ગુનેગારોના ગુણ અંતર્ગતની કાયદેસરની પ્રક્રિયા પણ આ જ જગ્યાએ સહેલાઇથી હળવા વાતાવરણમાં પૂરી કરશે. શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં આ કોન્સેપ્ટ શરૂ થઈ ચૂક્યો છે અને હવે તબક્કાવાર રાજયના તમામ પોલીસમથકોમાં તેની અમલવારી શરૂ કરવામાં આવશે.

(10:17 pm IST)