ગુજરાત
News of Wednesday, 26th September 2018

RTE એકટ મુદ્દા હળવાશથી ન લેવા સરકારને કોર્ટનો હુકમ

આરટીઈ એક્ટની અમલવારી અંગે અરજી : ગરીબ બાળકોનો ભણતરનો પાયો મજબૂત થાય તે જરૂરી, આગામી મુદત પર જવાબ રજૂ કરવાનો સરકારને આદેશ

અમદાવાદ, તા.૨૬ :આરટીઇ એકટની અમલવારી અંગેની જાહેરહિતની રિટ અરજીની સુનાવણી દરમ્યાન આજે ગુજરાત હાઈકોર્ટે એક તબક્કે રાજય સરકારને સાફ અને માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, આરટીઈના મુદ્દાને સરકાર હળવાશથી ન લે, આ સંવેદનશીલ અને અતિ ગંભીર મામલો છે. ગરીબ બાળકોના ભણતરનો પાયો મજબૂત થાય તે જરૂરી છે. હાઇકોર્ટે આ કેસમાં રાજય સરકારને જરૂરી જવાબ રજૂ કરવા નિર્દેશ કરી કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી હતી. રાઇટ ટુ એજ્યુકેશનના મુદ્દે હાઈકોર્ટ સરકારની આલોચન કરતાં જણાવ્યું હતું કે, એકબાજુ શાળાઓમાં સીટો ખાલી રહે છે અને બીજી બાજુ ગરીબ બાળકો એડમિશનથી વંચિત રહે છે. આ મુદ્દાને સરકાર હળવાશથી ન લે, રાઇટ ટુ એજયુકેશનનો સમગ્ર મુદ્દો સંવેદનશીલ અને અતિ ગંભીર છે. ગરીબ બાળકોના ભણતરનો પાયો મજબૂત થાય તે જરૂરી છે. આરટીઈનો બહોળો પ્રચાર કરો, વાલીઓને માર્ગદર્શન જરૂરી છે. હાઈકોર્ટે આરટીઇના પ્રવેશ અંગે જણાવ્યું કે, આ વર્ષે તો પ્રવેશ પ્રક્રિયા શક્ય નથી પરંતુ આવતા વર્ષે સરકાર બાળકોને શાળા પસંદગીના વધુ વિકલ્પો આપે. આ વર્ષની પ્રવેશ પ્રક્રિયામાં નવો રાઉન્ડ શક્ય નથી. આવતા વર્ષથી પ્રથમ રાઉન્ડ પૂરો થાય પછી પણ સરકાર બાળકોને શાળા પસંદગીમાં ફેરફાર કરવાની છૂટ આપે અને વધુ વિકલ્પો આપે કે જેથી ખાલી સીટો પર પ્રવેશ મેળવી શકે. હાઇકોર્ટે પહેલાં પણ કડક વલણ અપનાવીને જણાવ્યું હતું કે, દરેક શાળાએ આરટીઈ અંતર્ગત ૨૫ ટકા ગરીબ બાળકોને એડમિશન આપવું જ પડશે. આ મામલે કોઇપણ જાતનો ટાર્ગેટ ચલાવી લેવામાં નહીં આવે. ગરીબ બાળકોને ફાળવવામાં આવતી ૨૫ ટકા અનામતનો અમલ થયો નથી. આ મામલે હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો હતો અને કેસની વધુ સુનાવણી હવે પછી મુકરર કરી હતી.

(8:23 pm IST)