ગુજરાત
News of Wednesday, 26th September 2018

સપ્‍ટેમ્‍બર મહિનાના પ્રારંભથી જ શેરબજારમાં કરેકશનથી ગુજરાતની કંપનીઓના વેલ્યુએશનમાં નોંધપાત્ર ધોવાણ

અમદાવાદ:સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી શેરબજારમાં જોવા મળેલા કરેક્શને ગુજરાતની કંપનીઓના વેલ્યુએશનમાં પણ નોંધપાત્ર ધોવાણ કર્યું છે. બેન્ચમાર્ક નિફ્ટીમાં જે સમયગાળામાં લગભગ 6 ટકાનો ઘટાડો નોંધાયો છે ત્યારે ગુજરાતની કંપનીઓમાં 30 ટકા સુધીનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. ઘટાડો દર્શાવનાર શેર્સમાં અદાણી જૂથની કંપનીઓના શેર્સ ટોચ પર છે.

જૂથ કંપનીઓના શેર્સમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનાઓ દરમિયાન તીવ્ર ઉછાળો નોંધાયો હતો. ગુજરાત સરકારની પીએસયુ કંપનીઓના શેર્સમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ચાલુ કેલેન્ડરમાં આમ પણ લાર્જ-કેપ્સને બાદ કરતાં મિડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં સતત વેચવાલી જોવા મળી હતી અને તેથી તેમનું અન્ડરપર્ફોર્મન્સ ઊંચું રહ્યું હતું.

સ્થાનિક બજારમાં નિફ્ટીએ 28 ઓગસ્ટના રોજ તેની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી અને ત્યાર બાદ તેમાં કરેક્શન શરૂ થયું હતું. સોમવારે નિફ્ટી 11,000ની સપાટીની નીચે પણ ઊતરી ગયો હતો. જે તેની ટોચથી 6.75 ટકા જેટલો ઘટાડો સૂચવતો હતો. જોકે મંગળવારે તેણે પુન: 11,000નો સ્તર હાંસલ કર્યો હતો. સમાન ગાળામાં ગુજરાતની અગ્રણી કંપનીઓના દેખાવ પર નજર કરતાં અદાણી પાવરમાં 30 ટકાનું ધોવાણ થયું છે.

કંપનીનો શેર જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન 15ના સ્તરથી સુધરતો રહીને 36 પર જોવા મળ્યો છે. જ્યાંથી તૂટીને તાજેતરમાં તેણે 25નું તળિયું દર્શાવ્યું છે. ઊંચો ઘટાડો દર્શાવનાર અન્ય અદાણી જૂથ કંપનીઓમાં અદાણી ટ્રાન્સમિશન (-28 ટકા), અદાણી ગ્રીન (-24 ટકા), અદાણી ટ્રાન્સમિશન (-24 ટકા)નો સમાવેશ થાય છે.

અદાણી જૂથ બાદ ઘટવામાં ગુજરાત પીએસયુ કંપનીઓનો ક્રમ આવે છે. જેમ કે જીએસએફસી (-19 ટકા)નો ઘટાડો દર્શાવે છે. જ્યારે જીઆઇપીસીએલ અને જીએમડીસીના શેરમાં 17-17 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગયા નાણાકીય વર્ષે શેરબજાર પર લિસ્ટ થનાર જીટીપીએલના શેરમાં પણ 19 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ટાઇલ્સ ક્ષેત્રની એશિયન ટાઇલ્સનો શેર 15 ટકાનો ઘટાડો દર્શાવે છે. જ્યારે વીજ ક્ષેત્રની અગ્રણી ટોરેન્ટ પાવરનો શેર 14 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યો છે.

એકાદ મહિના અગાઉ સર્વોચ્ચ સપાટી દર્શાવનાર એસ્ટ્રલ પોલિનો શેર 11 ટકાનો ઘટાડો દર્શાવે છે. કંપનીના શેરમાં ઓગસ્ટ મહિનામાં 1,188નો સર્વોચ્ચ સ્તર જોવા મળ્યો હતો. ફાર્મા અગ્રણી કેડિલા હેલ્થકેરનો શેર પણ તાજેતરના ઘટાડાથી અલિપ્ત નથી રહી શક્યો.

જોકે કંપનીના શેરમાં માત્ર બે ટકાનો મામૂલી ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકારના એકમાત્ર પીએસયુ જેણે બ્રોડ માર્કેટથી ઊલટો ટ્રેન્ડ દર્શાવ્યો છે તેમાં ગુજરાત આલ્કલીઝનો સમાવેશ થાય છે. 28 ઓગસ્ટના રોજ કંપનીનો શેર 582.10ના બંધ ભાવ સામે 4 ટકા જેટલો સુધરીને મંગળવારે 605ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો.

(6:00 pm IST)