ગુજરાત
News of Monday, 26th August 2019

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્‍ચે અરવલ્લી જિલ્લામાં આજે સવારથી વરસાદનું આગમનઃ ૬થી ૮ દરમિયાન ભિલોડા તાલુકામાં બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો

 

અમદાવાદઃ હવામાન વિભાગે ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સોમવારથી રાજ્યમાં ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર, દક્ષિણ, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગાહી પહેલાં રવિવારે ગુજરાતના અમુક ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 26 અને 27મીએ વરસાદનું જોર વધારે રહેશે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદનું આગમન થયું છે. સવારે વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન જિલ્લાના ભિલોડા તાલુકામાં બે ઇંચ વરસાદ પડ્યો હતો.

ખેડબ્રહ્મામાં આજે દિવસભર ઉકળાટ બાદ ફરી મેઘરાજા ની આગમન થયું હતું. ખેડબ્રહ્મામાં આજુબાજુના તમામ ગામડાંઓમાં ધોધમાર વરસાદ થયો હતો. ત્યાં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આજે સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો, જેમાં ઉભરાણ પંથકમાં અડધા કલાકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. શામળાજી અને ભિલોડામાં વહેલી સવારે વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો. વરસાદને કારણે શામળાજી દર્શન માટે આવતા લોકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડી જતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી.

જુલાઇ અને ઓગસ્ટમાં સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લાના અનેક તળાવો હજુ સુધી પણ ખાલીખમ છે ત્યારે સારા વરસાદને કારણે તળાવોમાં પાણી ભરાશે તેવી આશા ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

(10:51 am IST)