ગુજરાત
News of Monday, 26th July 2021

ગરીબ પરિવારના ૧૦ બાળકોને નવજીવન

શ્રી સત્યસાઈ હોસ્પીટલ-અમદાવાદ દ્વારા બિહાર, ઓડિસાના બાળકોના હૃદયની સારવાર તદ્દન વિનામૂલ્યે પુરી કરી હસતા-ખેલતા રજા અપાઈ

રાજકોટ, તા. ૨૪ :. શ્રી સત્યસાઈ હાર્ટ હોસ્પીટલ-અમદાવાદ ખાતે ભારતનું મોટામાં મોટુ પિડીયાટ્રીક કાર્ડિયાક મેડીકલ સેન્ટર આવેલુ છે જ્યાં 'દિલ વિધાઉટ બીલ'ના શ્લોગન સાથે અવિરત સેવાકીય કાર્યો થકી ગરીબ-મધ્યમ વર્ગના પરિવારોને હાર્ટની જટીલ સર્જરી અને સારવાર તદ્દન વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. આ હોસ્પીટલ ખાતેથી ગુરૂપૂર્ણિમાના પવિત્ર દિને બિહાર અને ઓડીસાના ગરીબ પરિવારના ૧૦ બાળકોને હસતા-ખેલતા તેમના વાલીઓ સાથે રજા અપાઈ હતી. પોતાના બાળકોને નવજીવન મળેલુ જોઈ ભાવુક બનેલા માતા-પિતાઓએ શ્રી સત્યસાઈ હાર્ટ હોસ્પીટલના સેવાયજ્ઞના મોફાટ વખાણ કર્યા હતા. ૧૦ બાળકોને હૃદયરોગમાંથી મુકત કરતી સારવાર શ્રી સત્યસાઈ હોસ્પીટલના તજજ્ઞ તબીબોએ પુરી કરી સેવાકીય યજ્ઞમાં પોતાના તરફથી વધુ એક આહુતિ અપાયાનો સંતોષ વ્યકત કર્યો હતો. આ તકે ગુજરાત હાઈકોર્ટના ઓનરેબલ જસ્ટીશ શ્રી જમશેદ બી. પારડીવાલા અને તેમના ધર્મપત્નિ શ્રીમતી જસ્મીન પારડીવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને આશિર્વચન પાઠવ્યા હતા. અમદાવાદ હોસ્પીટલ ખાતેથી બાળકોને રજા આપવામાં આવી ત્યારે માસુમ બાળકોના પરિવારો અત્યંત ભાવવિભોર બન્યા હતા. તસ્વીરમાં સારવાર-સર્જરીથી હૃદયરોગમુકત બનેલા બાળકો અને વાલીઓ સાથે શ્રી અને શ્રીમતી પારડીવાલા નજરે પડે છે.

(10:38 am IST)