ગુજરાત
News of Sunday, 26th June 2022

અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ :ફૂકાતો ભારે પવન :રસ્તાઓ તરબોળ

સેટેલાઇટ, બોપલ, જોધપુર, વસ્ત્રાપુર, પાલડી, વાસણા, સરખેજ સહિતના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

રાજ્યભરમાં મોસમનો વરસાદ થઇ રહ્યો હતો ત્યારે અમદાવાદીઓ પણ વરસાદની રાહ જોઈ રહ્યા હતા.અ આજે અમદાવાદમાં પણ મેઘો મહેરબાન થયો છે અને અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ચોમાસાની ઋતુ છતાં અમદાવાદમાં તાપમાનનો પારો વધેલો હતો અને  શહેરીજનો છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી અને ઉકળાટથી ત્રાહિમામ પોકારી ગયા હતાં ત્યારે આજે વરસાદ થતા શહેરીજનો હરખાયા હતા અને વરસાદમાં પલળવાની મજા પણ માણતા જોવા મળ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની સંભાવના છે.

અમદાવાદમાં આજ સાંજથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને શહેરમાં હળવાથી ભારે વરસાદ થશે તેવું જણાઇ રહ્યું હતું. હાલ વરસાદ થઇ રહ્યો છે અને ગાજવીજ પવન પણ જોવા મળી રહ્યો છે. સાંજના છ વાગ્યાની આસપાસ અમદાવાદ શહેરનું હવામાન બદલાયું અને શહેરના સેટેલાઇટ, બોપલ, જોધપુર, વસ્ત્રાપુર, પાલડી, વાસણા, સરખેજ સહિતના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

(8:25 pm IST)