ગુજરાત
News of Sunday, 26th June 2022

અંકલેશ્વર બોરભાઠા બેટ પાસે રેલવે પુલ નજીકથી મોર અને ઢેલ મૃત હાલતમાં મળતા વન વિભાગ દોડતું

વિહારના સમયે નીકળેલા બન્ને મોરના બચ્ચા ટ્રેન અડફેટે આવ્યા હોવાનું અનુમાન

અંકલેશ્વર બોરભાઠા બેટ પાસે રેલવે પુલ નજીકથી મોર અને ઢેલ મૃત હાલતમાં મળી આવતા વન વિભાગ દોડતું થઈ ગયું હતું.

અંકલેશ્વર વનવિભાગના ભાવેશભાઈ પટેલને રવિવારે સવારે 11 કલાકે રેલવે પ્રોટેકશન ફોર્સ તરફથી કોલ આવ્યો હતો.

બોરભાઠા બેટ રેલવે પુલ પાસે વન વિભાગે તાત્કાલિક દોડી જઇ જોતા રેલવે ટ્રેકની બન્ને બાજુ મોર અને ઢેલના મૃતદેહ પડ્યા હતા. આશરે એક વર્ષના મોર અને માદાનું દોઢ કિલો જેટલું વજન હતું.

બન્ને મૃતદેહોને શાલીમાર નર્સરી લઈ જઇ ત્યાંથી પોસ્ટમોર્ટમ અર્થે પશુ દવાખાને લઈ જવાયા હતા. જ્યાં પી.એમ. કર્યા બાદ ફરી નર્સરી લાવી બન્ને રાષ્ટ્રીય પક્ષીના મૃતદેહની અંતિમવિધિ હાથ ધરવામાં આવનાર છે. જે બાદ પંચનામું કરી વનવિભાગ તપાસ કરશે. શનિવારે સાંજ બાદ કે રવિવારે સવારના અરસામાં વિહારના સમયે નીકળેલા બન્ને મોરના બચ્ચા ટ્રેન અડફેટે આવ્યા હોવાનું અનુમાન હાલ વન વિભાગ લગાવી રહ્યું છે.

હાલ તો રાષ્ટ્રીય પક્ષીના મૃતદેહને પુરા સન્માન સાથે અંકલેશ્વર વન વિભાગે પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ શાલીમાર નર્સરી ખાતે લાવી અગ્નિ સંસ્કાર આપવાની તજવીજ આરંભી છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ એ પણ રેલવે ટ્રેક નજીકથી ઇજાગ્રસ્ત બે મોરના મૃતદેહ મળી આવવાની નોંધ લઈ રિપોર્ટ કર્યો હતો. હાલ ચોમાસાની મોસમ શરૂ થઈ છે ત્યારે લીલી વનરજીમાં સવારે અને સાંજ બાદ મોર વિહાર કરવા નીકળતા હોય છે.

વિહાર કરતા વેળા શનિવારે સાંજે કે આજે રવિવારે વહેલી સવારે મોર કોઈ ટ્રેનની અડફેટે અંકલેશ્વર-ભરૂચ વચ્ચે આવી ગયા હોવાનું પ્રાથમિક તપાસ અને સ્થળ મુલાકાતમાં બહાર આવ્યું છે.

(7:22 pm IST)