ગુજરાત
News of Sunday, 26th June 2022

કોલ સેન્ટરમાં પગાર ચૂકવવામાં ઠાગાઠૈયા કરતી કોલસેન્ટર કંપનીના મહિલા કર્મચારીઓને મદદે આવતી અભયમ ટીમ

કોલ સેન્ટર સંચાલક સાથે વાત કરતા મહિલાનો પગાર ચૂકવાયો :સંચાલક દ્વારા દાદાગીરી કરતા મહિલા કર્મચારીઓએ 181 મહિલા હેલ્પલાઇન નંબર પર કોલ કરી મદદની માંગ કરી

વડોદરાના છાણી જકાતનાકા પાસેથી અભયમ ટીમની ફરી એકવાર સરાહનીય કામગીરી સામે આવી છે. છાણી જકાતનાકા પાસે આવેલા કોલ સેન્ટરમાં કામ કરતા મહિલા કર્મચારીનો પગાર ન ચૂકવાતો હોવાનું સામે આવતા અભયમ ટીમ વ્હારે આવી. અભયમ રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી મેનેજરને રજૂઆત કરાતા મહિલાને પગાર ચૂકવવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો અનુસાર, છાણી જકાતનાકા પાસે મહિલા કર્મચારી એક કોલ સેન્ટરમાં કામ કરે છે. મહિલા કર્મચારીનો મે 2022નો પગાર આપ્યો ન હોવાથી મહિલા ખૂબ નારાજ થઈ ગઈ હતી. મહિલાનો દિકરો બિમાર હોવાથી તેને દિકરાની સારવાર માટે પૈસાની ખૂબ જરૂરત હોવાથી સેન્ટરના સંચાલકને વારંવાર રજૂઆત કરી હતી. વારંવાર માંગણી કરતા સેન્ટરનો સંચાલક ગુસ્સે ભરાઈ પગાર આપવાનું ના કહી જે થાય તે કરી લે તારો પગાર નહિ થાય જણાવી હેરાન કરે છે. સંચાલક દ્વારા દાદાગીરી કરતા મહિલા કર્મચારી દ્વારા 181 મહિલા હેલ્પલાઇન નંબર પર કોલ કરી મદદની માંગ કરી હતી.

અભયમ ટીમને જાણ થતા તાત્કાલિક મહિલાની મદદે ઓફિસ પહોંચ્યા હતા. ઓફિસ પહોંચી અભયમ ટીમના સ્ટાફ દ્વારા સમગ્ર ઘટના વિશે વાત કરી. ત્યારબાદ સેન્ટરના સંચાલક સાથે વાત કરતા મહિલાનો 15000/ પગાર લેવાનો નિકળતો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સેન્ટરના સંચાલકને કાયદાકીય અને માનવતાના ધોરણે પગાર ચૂકવી આપવા જણાવ્યું હતું. જેને પગલે સેન્ટરના સંચાલક દ્વારા પગાર ચૂકવી દેવામાં આવ્યો હતો. પગાર મળી જતા મહિલા કર્મચારી દ્વારા અભયમ ટીમનો આભાર માન્યો હતો. બીજી બાજુ મહિલા કર્મચારી આ સેન્ટરમાં કામ ન કરવા ઈચ્છતી હોવાથી મહિલા કર્મચારી દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું હતું. જે સંચાલકે સ્વીકારી રિલિવ કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આત્મનિર્ભર ભારતમાં મહિલાઓ પણ ઘરની બહાર નીકળીને પોતાના પગભર થઈ રહી છે. પરંતુ, મહિલા કર્મચારીઓ સાથે અન્યાય થતા હોવાના કિસ્સા સામે આવતા રહેતા હોય છે. પોતાના પગભર થવા મહિલાઓ નોકરી કરતી હોય છે. મહિલા કામ પુરૂષ જેટલું જ આપતી હોય છે. છતાંય મહિલાઓને પગાર ચૂકવવામાં અન્યાય થતો હોય છે.

(8:46 pm IST)