ગુજરાત
News of Wednesday, 26th June 2019

વડોદરામાં સયાજીબાગ ઝુમાં વિદેશની માફક ૧૪ કરોડના ખર્ચે દેશની સૌથી મોટી અને એશિયાની બીજી વોક ઇન એવીએસ હીલનું નિર્માણ કરાશે

વડોદરા: વડોદરામાં આવેલા સયાજીબાગ ઝૂને વિદેશી ઝૂની માફખ અદ્યતન બનાવવામાં આવશે. સયાજીબાગ ઝૂમાં રૂપિયા 14 કરોડ ખર્ચે દેશની સૌથી મોટી અને એશિયાની બીજી વોક ઇન એવીએરી હીલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેના થકી વડોદરા ઝુમાં આવતાં સહેલાણીઓ વિદેશી ઝૂની માફક પક્ષીઓ તેમજ પ્રાણીઓને ખુલ્લામાં નજીકથી નિહાળી શકશે.

સર સયાજીરાવ દ્વારા 126 વર્ષ પહેલા બનાવવામાં આવેલું પ્રસિદ્ધ સયાજીબાગ જે કમાટીબાગ તરીકે પણ ઓળખાય છે જે હવે અદ્યતન સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. કમાટીબાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં વોક ઇન એવીએરી બનાવવાનું કામ સંપૂર્ણ પુરજોશમાં ચાલી રહ્યું છે. વોક ઇન એવીએરી બનાવવાથી સયાજીબાગમાં આવતાં સહેલાણીઓ લીલાછમ વૃક્ષોની ઘટામાં વોક વે પર ચાલી વિદેશી સહિતના પક્ષીઓ તેમજ જળચર પ્રાણીઓને ખુબજ નજીકથી નિહાળી શકશે.

કમાટીબાગ ઝૂમાં આવેલા વાઘ, સિંહ જેવા હિંસક પ્રાણીઓનાં પિંજરા પણ અદ્યતન બનાવવામાં આવી રહ્યાં છે. અહીં પણ સહેલાણીઓ વિદેશી ઝૂની જેમ પ્રાણીઓને ખુલ્લામાં વિચરતા નિહાળી શકશે. જે માટે સુરક્ષા સહિતના પરિબળોનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. વડોદરા ઝૂમાં હાલ દેશ વિદેશથી આવતાં મુલાકાતીઓની સંખ્યા નોધપાત્ર છે. જો કે, સયાજીબાગ ઝૂમાં નવા ઉભા થનાર આકર્ષણથી સહેલાણીઓની સંખ્યામાં વધારો થયા તેવી શક્યતા છે.

વડોદરા ઝૂમાં વિદેશી પ્રકારની વ્યવસ્થાથી સહેલાણીઓ પણ ઉત્સુક છે. મહત્વનું છે કે, વડોદરા ઝૂમાં બનનાર વોક ઇન એવીએરી વિસ્તારની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી અને એશિયાની બીજા નંબરની એવીએરી હશે. જેનું નિર્માણ કાર્ય આગામી વર્ષ સુધી પૂરું કરવાનો વડોદરા મહાનગર પાલિકાનો લક્ષ્યાંક છે.

(5:07 pm IST)