ગુજરાત
News of Wednesday, 26th June 2019

લાં....બી..... રજૂઆત બાદ અંતે રાજય સરકારનો હકારાત્મક અભિગમ

ધો.૧૨ સાયન્સમાં પરીક્ષા પદ્ધતિમાં આમૂલ ફેરફાર : ૫૦% એમસીકયુ - ૫૦% થિયરી

નવી પરીક્ષા પદ્ધતિ નીટ, જેઈઈની સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને ઉપયોગી થશે

રાજકોટ, તા. ૨૬ : છેલ્લા ૪ વર્ષથી સમગ્ર ગુજરાત રાજયમાં વિજ્ઞાન પ્રવાહના છાત્રોની પરીક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમ બાબતે અનેકવાર ઘનિષ્ઠ ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ કોઈને કોઈ કારણસર નક્કર પરિણામ આવતુ ન હોય, વિદ્યાર્થીઓએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ત્યારે આજે રાજય સરકારે એક મહત્વનો પરિપત્ર જાહેર કરીને ધો.૧૨ સાયન્સની પરીક્ષામાં આમૂલ ફેરફાર વિદ્યાર્થીના હિતમાં કર્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ આજે ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુકત નિયામકે રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓને જાણ કરી છે કે, શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી અમલમાં આવનાર ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં માર્ચ ૨૦૧૯ની ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની જેમ જ ૫૦% એમસીકયુ ઓએમઆર પદ્ધતિ અને ૫૦% થિયરી (સબ્જેકટીવ) પ્રકારના પ્રશ્નો પ્રમાણે પરીક્ષા પદ્ધતિનો અમલ કરવામાં આવશે.

(4:25 pm IST)