ગુજરાત
News of Wednesday, 26th June 2019

નિકોલમાં બ્રાન્ડેડ ડબ્બામાં છૂટક ખાદ્યતેલને ભરી ઉંચી કિંમતે વેચવાનું રેકેટ પકડાયુ

છેલ્લા કેટલાય સમયથી બ્રાન્ડના નામે નકલી તેલ આપતો હોવાની શંકા

અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારના નિકોલ ભોજલ ગામ રોડના આદર્શ હેરીટેજની એક દુકાનમાં ગઈકાલે રાત્રે છુટક ખાદ્ય તેલ બ્રાન્ડના ડબ્બા ભરી ઉંચી કિંમતે વેચાણ કરવાનું રેકેટ ચલાવતા એક શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો. આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ કપિલે આરોપી પારસ સુતરીયા સામે ગુનો નોંધાવીને તપાસ હાથ ધરી છે. પોલીસે મોટી માત્રામાં તેલ, બ્રાન્ડના ડબ્બા તથા અન્ય સામગ્રી સહિતની મત્તા કબ્જે કરી છે.

નિકોલના ભોજલ ગામ રોડ પર આવેલા આદર્શ હેરીટેજની દુકાન નંબર ૮માં ગેરકાયદે પ્રવૃતિ થતી હોવાની માહિતી આધારે પોલીસે રેડ કરી હતી. આ દુકાનમાં છેલ્લા કેટલાક સમયથી પારસ સુતરીયા કપાસીયા, પામોલીયન અને સીંગ તેલના ડબ્બા રાખતો હતો અને બહારથી ૧૫ કિલો ગ્રામના ખાલી ડબ્બા લાવતો અને તેમાં ચાલુ તેલ ભરતો અને બ્રાન્ડ ટ્રેડ માર્કાવાળા તેલ ઉત્પાદકોના સ્ટીકરો અને બુચ મારતો હતો. પોતાના આર્થિક ફાયદા માટે લોકોને ચાલુ તેલ બ્રાન્ડના નામે વેચાણ કરતો હતો.

બાપુનગર હર્ષદકોલોની સામે આવેલી રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા પારસ મુકેશ સુતરીયા (ઉ.વ.૨૬)ની પોલીસે ધરપકડ કરી હતી. આરોપી કોની પાસેથી બ્રાન્ડના સ્ટીકર, ડબ્બા અને બુચ લાવી કોને કોને વેચાણ કરતો તેની પોલીસે જીણવટ ભરી તપાસ હાથ ધરી છે.

(3:22 pm IST)