ગુજરાત
News of Wednesday, 26th June 2019

મેડિકલ કોર્સ માટે ૨૪૮૪૦ વિદ્યાર્થીઓની નોંધણી કરાઈ

કુલ ૨૮૫૩૬ રજિસ્ટ્રેશન પીનનું વિતરણ કરાયું :મેડિકલ પ્રવાહમાં પ્રવેશ પ્રક્રિયા સૌથી પહેલા હાથ ધરાશે ત્યારબાદ અન્ય ફેકલ્ટી માટે પ્રવેશ માટે પ્રક્રિયા શરૂ કરાશે

અમદાવાદ, તા. ૨૫ : મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક કોર્સમાં અન્ડર ગ્રેજ્યુએટ કોર્સ માટે પ્રવેશની પ્રક્રિયા ચાલી રહી છે. મેડિકલ કોર્સ માટે હજુ સુધી ૨૪૮૪૦ વિદ્યાર્થીઓની નોંધણી થઇ ચુકી છે જે પૈકી ૨૩૫૯૧ વિદ્યાર્થીઓને હેલ્પલાઈન સેન્ટરો ખાતે તેમના દસ્તાવેજો મળી ગયા છે. એડમિશન કમિટિ જે પ્રોફેશનલ અન્ડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન કોર્સ માટે કામ કરે છે તે મદદમાં સક્રિય છે. પ્રોફેશનલ અન્ડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન કોર્સની એડમિશન કમિટિ દ્વારા ૧૭મી જૂનથી પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા ૨૪મી જૂન સુધી ચાલી હતી. નીટ ૨૦૧૯ના પરિણામ આવ્યા બાદ આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. ૨૮૫૩૬ રજિસ્ટ્રેશન પીન આ ગાળા દરમિયાન વેચી દેવામાં આવી છે. મેડિકલના પ્રવાહ માટે પ્રવેશ પ્રક્રિયા સૌથી પહેલા હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ અન્ય ફેકલ્ટીમાં પ્રવેશની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ હવે જારી કરવામાં આવનાર છે. ત્યારબાદ ચોઇસ ફિલિંગની પ્રક્રિયા યોજવામાં આવનાર છે. ગુજરાત સરકારે હાલમાં જ ૨૫ ટકા સીટોમાં વધારો કર્યો છે. મેડિકલ, એન્જિનિયરિંગ અને અન્ય પ્રોફેશનલ કોર્સમાં સીટોની સંખ્યામાં ૨૫ ટકાનો વધારો કરવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓને આનો લાભ પણ મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષની શરૂઆતમાં આર્થિકરીતે નબળા વર્ગના લોકોને ૧૦ ટકા અનામતનો લાભ આપવાનો નિર્ણય કર્યો હતો જેના પરિણામ સ્વરુપે ગુજરાત સરકારે મેડિકલ સહિતના કોર્સમાં ૨૫ ટકા સીટો વધારવાની જાહેરાત કરી હતી. અનુસૂચિતજાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસીના ક્વોટાને સ્પર્શ કર્યા વગર આર્થિકરીતે નબળા વર્ગના લોકોને ૧૦ ટકા અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં મેડિકલ કોર્સ માટે ૪૬૫૦ સીટો છે. રાજ્ય સરકારે ૧૧૦૦ વધુ સીટોની હાલમાં જાહેરાત કરી હતી.

(9:21 pm IST)