ગુજરાત
News of Friday, 26th May 2023

સુરતના મહિધરપુરામાં જવેલરી બનાવતો કારખાનેદાર 582 ગ્રામનું સોનુ લઇ રફુચક્કર

સુરત: મહિધરપુરાની ગોળ શેરીમાં હીટ ડાયમંડ એન્ડ જ્વેલર્સ નામે દાગીના બનાવવાનું કારખાનું ધરાવતો બંગાળી કારીગર હીરા વેપારી પિતા-પુત્ર સહિત પાંચ જણાનું કુલ 582.88 ગ્રામ સોનુ અને હીરા તથા મજૂરી પેટે એડવાન્સ લઇ રફુચક્કર થઇ ગયાની ફરીયાદ મહિધરપુરા પોલીસમાં નોંધાય છે. મહિધરપુરાની નાગર શેરીમાં એ.કે.વી જેમ્સ નામે હીરાનો ધંધો કરતા આનંદ બાબુલાલ મુણોત (ઉ.વ. 38 રહે. પ્રાઇમ આર્કેડ, પાણીની ટાંકી પાસે, અડાજણ અને મૂળ. નાબરીયાર વાસ, સોજત, પાલી, રાજસ્થાન) એ મહિધરપુરાની ગોળ શેરીમાં હીટ ડાયમંડ એન્ડ જ્વેલર્સ નામે દાગીના બનાવવાનું કારખાનું ધરાવતા હેમંતો વાસુદેવ દાસ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. પારસ જેમ્સ નામે હીરાનો ધંધો કરતા આનંદના પિતા હેમંતો પાસે છેલ્લા કેટલાક સમયથી દાગીના બનાવડાવતા હોવાથી સારી રીતે પરિચીત હતા.

ચારેક મહિના અગાઉ આનંદે પોતાનું 40 ગ્રામ સોનાનું બ્રેસલેટ રીપેરીંગમાં અને 40 ગ્રામના નેકલેસમાં 55 કેરેટના હીરા લગાવવા અને રોકડા રૂ. 2.30 લાખ નવું સોનું ખરીદવા આપ્યા હતા. જયારે આનંદના પિતા બાબુલાલે 350 ગ્રામ સોનું પરિવારના સભ્યો માટે દાગીના બનાવવા આપ્યું હતું. આનંદની બહેનની સગાઇ હોવાથી પિતા-પુત્રએ દાગીનાની ડિલીવરી આપવા કહ્યું હતું પરંતુ હેમંતોએ કામનું લોડ છે એમ કહી વાયદા કર્યા હતા. જેથી આનંદ હેમંતોના કારખાને ગયો હતો પરંતુ તે ગેરહાજર હતો અને તેનો ફોન પણ બંધ હોવાથી શંકા ગઇ હતી. આનંદે માર્કેટમાં હેમંતો અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ચંચલ ડાયમંડ નામે ધંધો કરતા અંકીત પ્રદીપ બેતાલાનું 26 ગ્રામ સોનું અને મજૂરીના એડવાન્સ પેટે રૂ. 15 હજાર, શીતલ ઇમ્પેક્ષના પીંકલ હરીશ શાહનું 97.810 ગ્રામ અને સુબોદ પરમચંદ મોહનોતનું 29.07 ગ્રામ સોનું અને હીરા મળી કુલ 582.88 ગ્રામ સોનું અને હીરા મળી કુલ રૂ. 46.79 લાખની મત્તા લઇ રફુચક્કર થઇ ગયો છે.

(6:52 pm IST)