ગુજરાત
News of Thursday, 26th May 2022

અમદાવાદના ન્યુ ક્લોથ માર્કેટમાં એક વેપારીના ત્યાં 47 લાખ રૂપિયાની ઉઠાંતરી: આરોપી મુદામાલ સાથે ઝડપાયો

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી મનીષ શર્માની ધરપકડ કરી: વેપારી ત્યાં કેશિયર તરીકેનું કામ કરતો મનીષ 47 લાખ રૂપિયા લઇ ફરાર થઈ ગયો હતો

અમદાવાદના  ન્યુ ક્લોથ માર્કેટ માં એક વેપારીના ત્યાં 47 લાખ રૂપિયાની ઉઠાંતરી કરી ફરાર થયેલા આરોપી ગણતરીના દિવસોમાં ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે. આ પકડાયેલો આરોપી અન્ય કોઈ નહીં પરંતુ કંપનીનો જ કર્મચારી મનીષ શર્મા હોવાનું સામે આવતા ક્રાઈમ બ્રાન્ચે સીટીએમ પાસેથી રોકડ 38 લાખ રોકડ સહિત 41 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આરોપીને કાગડાપીઠ પોલીસને હવાલે કર્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી મનીષ શર્માની ધરપકડ કરી છે. જેમાં છેલ્લા સાતેક વર્ષથી અમદાવાદમાં એક જ વેપારી ત્યાં કેશિયર તરીકેનું કામ કરતો. પરંતુ મોજશોખના કારણે રોજબરોજ આવતી રોકડ પર મનીષની નજર બગડતા કંપનીના 47 લાખ રૂપિયા લઇ ફરાર થઈ ગયો હતો.

જોકે આ અંગેની ફરિયાદ સરોગી સુપર સેલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક તરફથી કરવામાં આવી. ત્યારે સામે આવ્યું કે ઓફિસના તમામ પૈસાની લેવડદેવડ કરનાર અને છેલ્લા સાતેક વર્ષથી માલિકને વિશ્વાસમાં લઇ ફરાર થઇ જનાર આરોપી અન્ય કોઈ નહીં પરંતુ કેશિયર મનીષ શર્મા છે.લાખો રૂપિયા ચોરી કરી ફરાર થયેલ મનીષ અમદાવાદ આવતો હોવાની ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ માહિતી મળતા વડોદરા એક્સપ્રેસ હાઈવે નજીક સીટીએમ પાસેથી મનીષને ઝડપી લીધો હતો.

બાદમાં તેની પાસે રહેલા સરસામાનની તપાસ કરતા 38 લાખ રોકડ, લેપટોપ, મોબાઈલ ફોન અને બ્રાન્ડેડ પર્ફ્યુમ સહિત ચાંદીના 20 જેટલા બિસ્કીટ પણ મળ્યા હતા. આરોપી મનીષ શર્મા ની પોલીસે વધુ પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે કંપનીના 47 લાખ રૂપિયા લઈને આરોપી મનીષ શર્મા સૌથી પહેલા કપડાની ખરીદી કરવા ગયો.ત્યારબાદ મોબાઈલ ફોન અને ગોગલ્સ ખરીદી કરીને ફ્લાઈટમાં દિલ્હી ગયો હતો. બાદમાં અમદાવાદ પરત આવી ફરીથી ગોવા અને મુંબઈ હોટલોમા રોકાઇ પોતાના મોજશોખ ચોરીના રૂપિયે કરતો હતો.

ક્રાઇમ બ્રાંચે આરોપી મનીષ પાસે રિકવર કરેલ આ મુદ્દામાં પોતાના મોજશોખમાં કેટલાક રૂપિયા ઉડાવ્યા હોવાનું પણ સામે આવી છે.. પોલીસે કબ્જે કરેલ મુદ્દામાલમાં સ્પષ્ટ જોઈ શકાય છે તે પ્રમાણે બ્રાન્ડેડ કપડા, ઈમ્પોર્ટેડ ગોગલ્સ પણ ખરીદી આ ચોરીના રૂપિયાથી કરી હતી. ત્યારે અગાઉ પણ આ મોડેસ ઓપરેન્ડીથી કેટલા રૂપિયા કંપનીના રૂપિયા વાપર્યા છે તે અંગે વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આની સાથે જ અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

(11:06 pm IST)