ગુજરાત
News of Thursday, 26th May 2022

‘ડિજિટલ ગુજરાત'માં ડિજીટલ ફ્રોડ વધ્‍યા : રોજની ૫૦૦થી વધુ ફરિયાદોનો રાફડો

રાજ્‍યના દરેક સાઇબર સેલમાં રોજની ૩૫થી વધુ ફરિયાદ : ૬૦ લાખની ઓનલાઇન ઠગાઇના કેસ સામે રિકવરી માત્ર ૨૦ લાખની જ : યુવતીઓના મીઠા અવાજમાં ફસાવીને OTP મેળવી છેતરપિંડી

અમદાવાદ તા. ૨૬ : સરકાર એક તરફ ડિજિટલ ઇન્‍ડિયાની વાતો કરે છે, તો બીજી તરફ ગુજરાતમાં રોજના ૫૦૦થી વધારે લોકો ઓનલાઇન ઠગાઇના ભોગ બની રહ્યા છે. આ ઉપરાંત અન્‍ય મોટા શહેરો અને જિલ્લામાં પણ લોકો છેતરપિંડીનો ભોગ બનતા હશે તે તો અલગ છે.

ગુજરાતમાં સીઆઇડી ક્રાઇમમાં જ રોજની ૩૫ ફરિયાદો નોંધાય છે. સાયબર ઠગો રોજના ૫૦ થી ૬૦ લાખ રૂપિયાની જુદા-જુદા લોકો સાથે ઠગાઇ આચરે છે. સામે માત્ર ૨૦ લાખ જેટલી જ રકમ રિકવર કરી ભોગ બનેલાને પરત મળતી હોવાનું નોંધાયું છે.

આર્થિક વ્‍યવહારોને લગતી ઇ કોમર્સ વેબસાઇટો, ઇ-કોમર્સ ટ્રાન્‍જેકશન અને લોન અપાવવાના બહાને, બેંકના અધિકારીના નામે તેમજ નોકરી અપાવવાના બહાને , ઓન લાઇન ટ્રાન્‍જેકશન કરીને માલ મેળવવા માટે અલગ-અલગ લિન્‍ક મોકલીને તેમજ ગુગલની હેલ્‍પલાઇનની મદદથી કોઇ માહિતી મેળવી હોય કે તરત જ ગઠીયાઓના ફોન આવી જાય છે. તેમજ કંપનીઓના નામમાં સામાન્‍ય ફેરફાર કરીને ભળતા નામે છેતરપિંડી આચરવાના, તેમજ યુવતીઓના મીઠા અવાજમાં ફસાવીને અલગ-અલગ કોલ સેન્‍ટરથી ફોન કરાવીને OTP નંબર મેળવીને રોજની કરોડો રૂપિયાની લોકો સાથે છેતરપિંડી આચરવામા આવે છે.

જો કે કેટલાક લોકો તો લાંબી પ્રોસેસના કારણે ફરિયાદ નોંધાવવાનુ ટાળે છે. જેના કારણે છેતરપિંડીનો ભોગ બનેલા લોકોનો ચોકકસ આંકડો બહાર આવતો નથી. છેતરપિંડી કરવામાં મોટા ભાગના આરોપીઓમાં યુવકો અને યુવતીઓ જ હોય છે, કારણ કે તેઓ સૌથી વધારે ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય છે. જેના કારણે તેઓ શોર્ટકટમાં પૈસા કમાવવા માટે નવા-નવા નુસખાઓ અજમાવતા હોવાનુ જાણવા મળ્‍યુ છે.

આ અંગે સીઆઇડી ક્રાઇમના ડીજીપી ટી.એસ બિસ્‍ટે જણાવ્‍યુ છે કે અમારા સાયબર ક્રાઇમ સેલના કંન્‍ટ્રોલ રૂમ પર રોજની ૫૦૦થી પણ વધારે લોકોની ફરિયાદો આવે છે. જેમાં સૌથી વધારે ઓનલાઇન ઠગાઇની ફરિયાદો આવે છે. આ ઉપરાંત રોજની ૩૫ ફરિયાદો સમગ્ર રાજયમાં નોંધાય છે.

(10:50 am IST)